પૂર્વમાં એક ઇંચ સુધીના વરસાદમાં પણ ફરી પાછા પાણી ભરાઇ ગયા
અમદાવાદ,તા.13 ઓગષ્ટ 2022, શનિવારપૂર્વ અમદાવાદમાં શનિવારે રામોલમાં એક ઇંચ, મણિનગરમાં પોણા એક ઇંચ, વટવામાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. ઉપરાંત ઓઢવમાં ૯ મિ.મી., ચકુડિયામાં ૭.૫ મિ.મી. વરસાદ નોંધાયો હતો. શુક્રવારની સાંજે શરૂ થયેલો વરસાદ પૂર્વના તમામ વિસ્તારોમાં પડયો હતો. જેમાં રાત્રિ દરમિયાન મેમ્કો, નરોડા, કોતરપુર, દૂધેશ્વર, દાણાપીઠમાં પોણા ઇંચથી વધુનો વરસાદ પડયો હતો. બાકીના વિસ્તારોમાં નિકોલ, ઓઢવ, વિરાટનગર, ચકુડિયામાં અડધા ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. છેલ્લા ૪૮ કલાકથી પડી રહેલા વરસાદને કારણે પૂર્વમાં પૂર્વવત જ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જવા પામ્યા હતા. રાત્રે સારો એવો વરસાદ પડયો હતો , શનિવારે દિવસ દરમિયાન આકાશમાં વાદળોની વચ્ચે સૂર્યદેેવ સંતાકુકડી રમતા જોવા મળ્યા હતા. રહી રહીને વરસાદી છાંટા પણ પડતા હતા.જ્યાં કાળા ડિબાંગ વાદળા વધુ ઘેરાયેલા હતા ત્યાં ભારે વરસાદ પણ પડી જતો હતો. નોકરી-ધંધે નીકળેલા લોકોએ ઓચિંતા પલળવાની પણ નોબત આવી હતી. આજે દિવસ દરમિયાન વરસાદી માહોલ વચ્ચે શહેરમાં ઠેરઠેર તિરંગા યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. શ્રાવણિયો વરસાદ ઝરમર ઝરમકર વરસતો હોવાથી વાતાવરણ આનંદદાયક બન્યું હતું. પરંતુ જે વિસ્તારમાં વધારે વરસાદ પડયો હતો ત્યાં પાણી ભરાઇ જતા કાદવ-કિચડની સમસ્યાનો લોકોએ સામનો કરવો પડયો હતો. વળી તૂટેલા રોડના કારણે વાહનચાલકોએ અનેક મુસીબતો પણ વેઠવી પડી હતી. રોડ તૂટેલા હોય પરંતુ વરસાદી પાણી ભરાઇ જતા વાહનચાલકને તેનો અંદાજો ન આવતા અનેક ટુ વ્હિલર ચાલકો રોડ પર પટકાયા હોવાના પણ કિસ્સા બન્યા હતા.પૂર્વમાં ક્યાં કેટલો વરસાદ પડયો ?
વિસ્તાર
મિ.મી.
ચકુડિયા
૧૫
ઓઢવ
૧૬
વિરાટનગર
૧૭.૫૦
રામોલ
૩૨
દાણાપીઠ
૨૩
દૂધેશ્વર
૨૨
મેમ્કો
૨૨.૦૫
નરોડા
૨૦.૦૫
કોતરપુર
૨૧
મણિનગર
૨૫
વટવા
૧૩
(નોંધઃ શુક્રવારની સાંજથી શનિવારની સાંજના ૫ વાગ્યા સુધીનો વરસાદ મિ.મી.માં છે)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.