ચોટીલામાં સામાન્ય તકરારમાં યુવકને ગળામાં છરી મારી દીધી
સુરેન્દ્રનગર : ચોટીલામાં બાઈકનું પિસ્ટન પાછુ લેવા જેવી સામાન્ય બાબતમાં યુવાનને ગળાના ભાગે છરી મારી ગંભીર ઈજા પહોચાડયાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે. ચોટીલાના જુના બસસ્ટેન્ડ રોડ ઉપર રહેતા સલમાનભાઈ સોલંકીએ છ માસ પહેલા થાન રોડ પાસે ગેરેજમાં આદીલ ઈલીયાસભાઈ લોલાડીયાના મોટર સાયકલનો પિસ્ટન પોતાના બાઈકમાં ફીટ કરેલ હતો. અને જરૂર પડયે પાછો આપી દઈશ તેમ કહ્યુ હતુ. બનાવના દિવસે આદીલે પિસ્ટન પાછો માંગતા સલમાને બે-ત્રણ દિવસ પછી આપુ તેમ કહેતા ઉશ્કેરાઈ જઈ આદીલે છરીનો એક ઘા ગળામાં અને બે-ત્રણ ઘા પીઠમાં મારી ગંભીર ઈજા પહોચાડતા સલમાનભાઈને સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવેલ હતા. બનાવ અંગે સલમાનના ભાઈ શાહરૂખભાઈએ આદીલ ઈલીયાસભાઈ લોબાડીયા સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.