હર ઘર તિરંગા અભિયાનના પહેલા દિવસે સરકારી કચેરીઓ ઉપર જ રાષ્ટ્રધ્વજ ના લહેરાયો
- પ્રથમ દિવસે સાંસદ કાર્યાલય સહિત એક ડઝન કચેરીમાં તિરંગો ફરકાવાયો જ નહીં- સામાન્ય નાગરિકોને રાષ્ટ્રધ્વજ લહેરાવવા માટે પ્રોત્સાહિત કરનાર સરકારી તંત્રની કચેરીઓ જ તિરંગા વગર જોવા મળતા નાગરિકોમાં ચર્ચાઓ શરૂ થઇસુરેન્દ્રનગર : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૭૬મા સ્વાતંત્ર્ય દિન નિમીતે તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન શરૂ કરાવેલ છે. નાગરીકોને ઘેર ઘેર તિરંગો ફરકાવવાની અપીલ કરાય છે...પણ સુરેન્દ્રનગરના સરકારીતંત્રને જ આ અભિયાનમાં રસ ન હોય તેમ સાંસદના કાર્યાલય સહીત એક ડઝન જેટલી સરકારી કચેરીઓ ઉપર શનિવારે અભિયાનના પ્રથમ દિવસે તિરંગો ધ્વજ ફરકતો જોવા ન મળતા શહેરીજનોમાં ચર્ચાઓ શરૂ થઈ હતી. આ અંગેની વિગત એવી છેકે,સમગ્ર દેશ સાથે સુરેન્દ્રનગરમાં પણ શનિવારથી હર ઘર તિરંગા અભિયાન શરૂ થયેલ છે. નાગરીકોને પોતાના ઘર, ઓફિસ, દુકાન, સંસ્થાના કાર્યાલય ઉપર તિરંગો ધ્વજ લહેરાવવા સરકાર, સંગઠન અને વિવિધ સંસ્થાઓ દ્વારા અપીલ કરાયેલ છે. પોસ્ટ ઓફીસ, નગરપાલીકાના સ્ટોલ, સહીતના સ્થળોએથી તિરંગાધ્વજનું રૂા.૨૫ અને ૩૦ની કિંમતે હજારોની સંખ્યામાં વેચાણ થયેલ છે. પરંતુ સામાન્ય જનતાની ફરિયાદો સરકારીતંત્રને સંભળાતી નથી તે રીતે સરકારની હર ઘર તિરંગાની અપીલ પણ સરકારીતંત્રને સંભળાઈ ન હોય તેવું લાગે છે. આ ત્રિદિવસીય અભિયાનના પ્રથમ દિવસે કેટલાય ઘર-દુકાનો ઉપર તિરંગો ફરકતો જોવા મળેલ હતો. પરંતુ જીલ્લા પંચાયત પરીસરમાં આવેલ સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા(કેન્દ્રીયમંત્રી)ના કાર્યાલય ઉપર તિરંગો ધ્વજ ફરકતો જોવા મળેલ નહોતો. આ ઉપરાંત નાયબ ખેતી નિયામકની કચેરી, નાયબ વન સંરક્ષક (ક્ષત્રિય વિભાગ)ની કચેરી સહીત કેટલીયે સરકારી કચેરીઓ ઉપર શનિવારે તા.૧૩મીએ તિરંગો ફરકતો જોવા મળેલ નહોતો. આથી શહેરીજનોમાં આશ્ચર્ય સાથે ચર્ચાઓ શરૂ થઈ હતી. શહેરીજનોને તિરંગો ધ્વજ ફરકાવવાની અપીલો કરનાર સરકારીતંત્ર હર ઘર તિરંગા અભિયાનમાં પાછળ કેમ રહ્યુ તે પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો હતો. હર ઘર તિરંગા અભિયાનના પ્રથમ દિવસે સુરેન્દ્રનગરની આ કચેરીઓ ઉપર રાષ્ટ્રધ્વજ ન ફરક્યો૧. સાંસદ કાર્યાલય (જીલ્લા પંચાયત પરિસર, સુરેન્દ્રનગર), ૨. જન સેવા કેન્દ્ર, ૩. નાયબ ખેતી નિયામકની કચેરી, ૪. નાયબ વન સંરક્ષક (ક્ષેત્રિય વિભાગ)ની કચેરી , ૫. પ્રસાર ભારતી નિગમ, ૬. સિટી સર્વે કચેરી, ૭. સીટી મામલતદાર કચેરી, ૮. જિલ્લા ગ્રામવિકાસ એજન્સી, ૯. વન સંરક્ષક, સામાજીક વનીકરણ વિભાગ , ૧૦. બહુમાળી ભવન નં-૧, ૧૧. જવાહરલાલ નહેરૂ પુસ્તકાલય
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.