હીરાદલાલ પાસેથી રૂ.3.16 કરોડના હીરા લઈ ફરાર બોરા દંપત્તિ પૈકી મહિલાની ગોવાથી ધરપકડ
- ચીનમાં હીરાનો વેપાર કરતા દેવેન્દ્રસિંઘ બોરાએ હીરાદલાલ સાથે વિડીયોકોલથી વાત કરી પત્ની અમૃતા અને ભાગીદાર મારફતે હીરા મંગાવ્યા બાદ પેમેન્ટ કર્યું નહોતું સુરત, : સરથાણાના હીરાદલાલ પાસેથી રૂ.3.16 કરોડના હીરા લઈ ફરાર વેસુના બોરા દંપત્તિ પૈકી મહિલાની ક્રાઈમ બ્રાન્ચે ગોવાથી ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ઝડપાયેલી મહિલાએ તેનો પતિ ચાઈનામાં હોવાની કબૂલાત કરી છે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના ખાંભાના કોટડા ગામના વતની અને સુરતમાં સરથાણા જકાતનાકા સાંસ્કૃત રેસિડન્સી ઘર નં.302 માં રહેતા 27 વર્ષીય હીરાદલાલ બ્રિજેશ મનસુખભાઇ વેકરીયા સાથે વિડીયો કોલ મારફતે વાત કરી વેપાર શરૂ કર્યા બાદ ચાઈનામાં હીરાનો વેપાર કરતા અને વેસુમાં રહેતા વેપારી દેવેન્દ્રસિંધ મદન બોરાએ પત્ની અમૃતા અને ભાગીદાર મયુરભાઈ સુતરીયા મારફતે રૂ.3.16 કરોડના હીરા મંગાવી પેમેન્ટ કરવાને બદલે વાયદા કર્યા હતા અને બાદમાં ઘર ખાલી કરી પત્ની સાથે ફરાર થઈ ગયો હતો. આ અંગે બ્રિજેશે કરેલી અરજીના આધારે સરથાણા પોલીસે બોરા દંપત્તિ વિરુદ્ધ બે અઠવાડીયા અગાઉ ઠગાઈની ફરિયાદ નોંધ્યા બાદ તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હતી.દરમિયાન, ક્રાઈમ બ્રાન્ચે આ ગુનામાં ગતરોજ ગોવાથી વેપારી દેવેન્દ્રસિંઘ બોરાની પત્ની અમૃતા ( ઉ.વ.34, રહે. ઘર નં.એફ.ટી-2, બ્લોક-બી, સેફાયર, સીમેંટરી પાસે, તાલીગાંવ, પણજીમ, ગોવા. તેમજ ઘર નં.534/2, ‘’માંગીરીશ’, સત્ય નારાયણ મંદિર પાસે, ધવલી વિસ્તાર, પોંડા, દક્ષિણ ગોવા ) ની ધરપકડ કરી તેના એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે તેની પુછપરછ કરતા પતિ દેવેન્દ્રસિંઘ હાલ ચાઈનામાં હોવાની કબૂલાત કરી હતી. વધુ તપાસ પીઆઈ એમ.એલ.સાલુંકે કરી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.