સાયલા તાલુકાના ચોરવીરા ગામે મૃત પશુઓના નિકાલ માટે તંત્ર કામે લાગ્યું
- સરપંચ, પશુ દવાખાનાની ટીમના લોકો કામે લાગ્યા- લમ્પી વાઇરસ સંક્રમણથી મરણ પામેલા ઢોરને ખુલ્લામાં નાખી દેવામાં આવેલા હતા : દોડી આવેલા અધિકારીઓએ પરિસ્થિતિની જાણકારી મેળવીસાયલા : સાયલા તાલુકાના ચોરવીરા ગામે લમ્પી વાઇરસ સંક્રમણને કારણે ગૌવંશના મૃતદેહો ઠેર ઠેર રઝરતી હાલતમાં પડયા હતા, જેનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો જેના પગલે તંત્ર દોડતું થયું અને તમામ પશુઓને જેસીબીથી તમામ પશુઓના મૃતદેહને દાટવામાં આવ્યા હતા.સાયલા તાલુકાના ચોરવીરા ગામે છેલ્લાં કેટલાક દિવસથી પશુઓમાં લમ્પી વાઇરસ સંક્રમણ વધ્યું હતું. જેને કારણે ઠેર ઠેર લમ્પીથી મરણ પામેલા પશુઓના મૃતદેહ ખુલ્લામાં પડેલા જોવા મળી રહ્યાં હતા. મૃત પશુ અંદાજે ૧૦ થી ઉપર મૃત હાલતમાં તેમજ અમુક પશુ જીવન મરણના છેલ્લા શ્વાસો ગણી રહ્યા હોય તેવી હાલતમાં ગામમાં તેમજ પાદરમાં જેમ તેમ હાલતમાં પડયા હતા.જે અંગેનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેની તાત્કાલિક અસરથી તંત્ર કામે લાગી ગયું હતું અને તમામ મૃત પશુઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. લમ્પી સંક્રમણને કારણે મરણ પામેલા પશુઓને પશુમાલિકો દ્વારા પંચાયતને જાણ કર્યા વગર દસ જેટલા મરણ પામેલા પશુઓના મૃતદેહને ખુલ્લામાં નાખી દેવામાં આવ્યા હતા. તે બાબત અંગે પંચાયતને જાણ થતાં ૧૦ પશુ ને યોગ્ય જગ્યા પર જમીનમાં નિકાલ કરવામાં આવ્યો હતો. બાકી રહેતા પશુ ધન ને ડોર ટુ ડોર રસીકરણ કરવામાં આવ્યું હતું. તાલુકાના ચોરવીરા ગામે ખુલ્લામાં લમ્પી વાઇરસથી મરણ પામેલા ઢોરને નાખી દેવામાં આવ્યા હોવા અંગેના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું હતું. અધિકારીઓ સહિતનો કાફલો ગામમાં દોડી આવ્યો હતો અને મરણ પામેલા પશુઓને સાવધાની સાથે જમીનમાં દાટવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.