એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતો તરૂણ ઘરેથી રૂ.5 હજાર લઈ 'સોરી માય ફેમિલી' લખેલી ચિઠ્ઠી છોડી ક્યાંક ચાલી ગયો - At This Time

એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતો તરૂણ ઘરેથી રૂ.5 હજાર લઈ ‘સોરી માય ફેમિલી’ લખેલી ચિઠ્ઠી છોડી ક્યાંક ચાલી ગયો


- લીંબાયતમાં રહેતા શ્રમજીવીનો સૌથી મોટો પુત્ર વલસાડ ખાતે સરકારી પોલીટેકનીક કોલેજમાં ડિપ્લોમાનો અભ્યાસ કરે છે - નવમીની રાત્રે બાજુના મકાનમાં દાદા સાથે સુઈ ગયેલો તરુણ સવારે નજરે નહીં ચઢતા અને તેનો મોબાઈલ ત્યાં જ હોય પરિવારે તે આમતેમ ગયો હશે તેવું માન્યું હતું સુરત,તા.12 ઓગષ્ટ 2022,શુક્રવાર સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા શ્રમજીવીનો વલસાડ ખાતે સરકારી પોલીટેકનીક કોલેજમાં ડિપ્લોમાનો અભ્યાસ કરતો 17 વર્ષનો સૌથી મોટો પુત્ર ઘરેથી રૂ.5 હજાર લઈ 'સોરી માય ફેમિલી' લખેલી ચિઠ્ઠી છોડી ક્યાંક ચાલી જતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લીંબાયત મદનપુરા વિસ્તારમાં રહેતા 55 વર્ષીય શ્રમજીવીના ત્રણ સંતાન પૈકી સૌથી મોટો પુત્ર સુરેશ ( ઉ.વ.17, નામ બદલ્યું છે ) વલસાડ ખાતે સરકારી પોલીટેકનીક કોલેજમાં ડિપ્લોમાનો અભ્યાસ કરે છે. ગત નવમીની રાત્રે તે બાજુના મકાનમાં દાદા સાથે સુઈ ગયો હતો. પણ બીજા દિવસે વહેલી સવારે છ વાગ્યે તેનો નાનો ભાઈ સ્કૂલે જવા માટે કપડાં લેવા ગયો ત્યારે તે નજરે નહીં ચઢતા તેણે માતાપિતાને જાણ કરી હતી. તેમણે ત્યાં જઈ ચેક કરતા સુરેશનો મોબાઈલ ફોન ત્યાં જ હતો.આથી તે આમતેમ ગયો હશે તેમ માની તેની વધુ શોધખોળ કરી નહોતી.જોકે, ત્યાં કબાટમાં મુકેલા રૂ.5 હજાર પણ નહીં મળતા તેમણે સુરેશની શોધખોળ શરૂ કરી હતી.તેના મિત્રોને ફોન કરતા કોઈને પણ તેની જાણ ન હોય મોડીરાત સુધી તેની ભાળ નહીં મળતા તે પોતાની રીતે ઘરે આવી જશે તેવું વિચારી ઘરે આવી માતાપિતા અને અન્યો સુઈ ગયા હતા.પરંતુ ગત સવારે સુરેશની માતાએ તેના અભ્યાસના ચોપડા ચેક કર્યા તો એક ચિઠ્ઠી મળી હતી અને તેમાં અંગ્રેજીમાં સોરી માય ફેમિલી લખ્યું હોય ફરી તેની શોધખોળ શરૂ કરી હતી. તેમાંય તેની કોઈ ભાળ નહીં મળતા છેવટે આ અંગે લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.