સેશન્સ કોર્ટે માનવતાના ધોરણે હત્યારા પિતાને પુત્રની અંતિમક્રિયા માટે મંજૂરી આપી - At This Time

સેશન્સ કોર્ટે માનવતાના ધોરણે હત્યારા પિતાને પુત્રની અંતિમક્રિયા માટે મંજૂરી આપી


અમદાવાદ,તા.11 ઓગષ્ટ 2022,ગુરૂવારશહેરના આંબાવાડી વિસ્તારમાં દારૂના વ્યસની પુત્રની બહુ ક્રૂરતાપૂર્વક ઘાતકી હત્યા કરનારા હત્યારા પિતા નીલેશ જયંતિલાલ જોષીને  સ્વ.પુત્રના અંતિમ સંસ્કારમાં હાજર રહેવા દેવા માટે અત્રેની સેશન્સ કોર્ટે આખરે મંજૂરી આપી છે. હત્યારા પિતા તરફથી સ્વ.પુત્રની અંતિમવિધિમાં હાજર રહેવા દેવા વિનંતી કરતી અરજી એડિશનલ સેશન્સ જજ બી.એસ.ચૌહાણે માનવતાના ધોરણે ગ્રાહ્ય રાખી હતી.હત્યારા પિતાના પોલીસ જાપ્તા હેઠળ અંતિમક્રિયા પૂરતા વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યાસેશન્સ કોર્ટે પોલીસ જાપ્તા હેઠળ હત્યારા પિતાના સ્વ.પુત્રની અંતિમક્રિયા માટે પોલીસ જાપ્તા હેઠળ વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે જણાવ્યું હતુ કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે દિવસે અરજદારના પુત્રની અંતિમ ક્રિયા કરાય તે દિવસે અરજદારને ત્યાં લઇ જવો અને અંતિમ ક્રિયા પૂર્ણ થયા બાદ તેને જેલમાં પરત મોકલવો. પોલીસ જાપ્તાનો ખર્ચો સરકારને ભોગવવા પણ કોર્ટે તાકીદ કરી હતી. અગાઉ મેટ્રોપોલીટન કોર્ટે હત્યારા પિતાની અરજી આકરા વલણ સાથે ફગાવી દીધી હતી, જેથી હત્યારા પિતાએ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. સરકારપક્ષ તરફથી પબ્લીક પ્રોસીકયુટર સુધીર બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આરોપી પિતાએ પોતાના જ પુત્રની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરવાનો જઘન્ય અપરાધ કર્યો છે. પરંતુ હવે તેના પુત્રની અંતિમક્રિયામાં હાજરી આપવાની તેની આખરી ઇચ્છા છે તો કોર્ટ માનવીય અભિગમ દાખવી તેની રીતે યોગ્ય નિર્ણય લઇ શકે છે. આ અગાઉ હત્યારા પિતા તરફથી અદાલતને વિનંતી કરાઇ હતી કે, તેમના પુત્રની લાશ હાલ કોલ્ડ સ્ટોરેજમાં રખાઇ છે અને તેમની અંતિમ વિધિ માટે હાલ અહીં કોઇ હાજર નથી. અરજદારની પત્ની તેમની પુત્રી જે જર્મની ખાતે અભ્યાસ કરે છે, તેની સાથે રહેવા ત્યાં ગયેલી છે અને તેથી પુત્રની અંતિમ વિધિ કરનાર કોઇ નથી. આ સંજોગોમાં તેના પુત્રની અંતિમક્રિયામાં હાજર રહેવા તેને મંજૂરી આપવી જોઇએ. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.