સુરતમાં સવારથી જ વરસતા વરસાદ વચ્ચે મીઠાઈ અને ફરસાણની દુકાનો પર રક્ષાબંધનની ઘરાકી
- ઘરોમાં અસલ સુરતી ભોજન સાથે ચણાની દાળના સમોસા અને પેટીસ સાથે અન્ય ફરસાણની પણ બોલબાલાસુરત,તા.11 ઓગષ્ટ 2022,ગુરૂવારસુરતમાં આજે બળેવના તહેવારના કારણે વહેલી સવારથી જ ફરસાણ અને મીઠાઈની દુકાન પર ઘરાકી જોવા મળી હતી. આજે સવારથી જ વરસાદી ઝાંપટા વચ્ચે પણ લોકો વહેલી સવારથી જ મીઠાઈ અને ફરસાણ ખરીદવા માટે પહોંચી ગયાં હતા. લોકોની ઘરાકીના કારણે વેપારીઓને તડાકો થઈ ગયો હતો.સુરતીઓ અન્ય તહેવારની જેમ રક્ષાબંધનનો તહેવાર પણ ધામધૂમથી ઉજવે છે સુરતીઓ રક્ષા બંધનમાં ઘરે અસલ સુરતી ભોજન સાથે મીઠાઈ અને ફરસાણ પીરસે છે પરંતુ મીઠાઈ અને ફરસાણ તૈયાર લેવાનો ટ્રેન્ડ લાંબા સમયથી જોવા મળી રહ્યો છે. આમ તો સુરતીઓની સવાર ખમણ અને ફાફડાથી પડે છે પરંતુ આજે ફરસાણની દુકાનો પર પેટીસ અને ચણાની દાળના સમોસા સાથે સાથે ચીઝ પનીર સમોસા અને ચાઈનીઝ સમોસાની આ ડિમાન્ડ પણ જોવા મળી હતી. બળેવના દિવસે મોટી માત્રામાં આ પ્રકારના ફરસાણનો ઉપાડ થતો હોય મોટા ભાગની ફરસાણની દુકાનો પર પેટીસ અને સમોસા સાથે અન્ય સુરતી ફરસાણ નો સ્ટોક પણ જોવા મળ્યો હતો. આ ફરસાણના વેચાણ ઉપરાંત ખમણ અને ઈદડા અને સુરતી ભુસુ ની ઘરાકી પણ નિકળી હતી. આ ઉપરાંત ગઈકાલથી સુરતમાં મીઠાઈનું વેચાણ કરતી દુકાનો સાથે સીઝનલ મીઠાઈનો ધંધો કરનારાઓને ત્યા પણ મીઠાઈની ખરીદી જોવા મળી હતી. હાલમાં મંદીની વાતો વચ્ચે મીઠાઈ અને ફરસાણની દુકાનમાં ઘરાકી નીકળતા વેપારીઓને રાહત થઈ હતી. આજે સવારથી વરસાદી ઝાંપટા જોવા મળ્યા હતા આવા વરસાદની વચ્ચે પણ લોકો મીઠાઈ અને ફરસાણની દુકાનો પર ખરીદી કરતાં જોવા મળ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.