2014માં ભાજપ લોકસભા જીત્યો પણ 2024માં નહીં જીતવા દઇએ : નીતિશ - At This Time

2014માં ભાજપ લોકસભા જીત્યો પણ 2024માં નહીં જીતવા દઇએ : નીતિશ


- આઠમી વખત મુખ્યમંત્રી પદે શપથ લીધા બાદ વિપક્ષને એક થવા નીતિશનું આહ્વાન- બિહારના યુવાઓને બંપર સરકારી નોકરીઓ આપીશું  ઉપમુખ્યમંત્રી બનતા જ તેજસ્વી યાદવની જાહેરાત- એનડીએ અને મતદારોની સાથે નીતિશે ગદ્દારી કરી હોવાના આરોપ સાથે બિહારમાં ભાજપના મહાધરણા શરૂપટના : એનડીએ સાથે છેડો ફાડીને મહાગઠબંધન સાથે જોડાઇને નીતિશ કુમારે ફરી બિહારની સત્તા પોતાના હાથમાં રાખી છે. નીતિશ કુમારે બુધવારે આઠમી વખત બિહારના મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કર્યા હતા. શપથ ગ્રહણ કર્યાની સાથે જ નીતિશ કુમારે ૨૦૨૪માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા વિપક્ષને એક થવાનું આહવાન કર્યું હતું. તેઓએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ૨૦૧૪માં જીત્યા હતા પણ શું ૨૦૨૪માં જીતી શકશે?બિહારના રાજભવનમાં રાજ્યપાલ ફાગૂ ચૌહાણે નીતિશ કુમારને મુખ્યમંત્રી પદે શપથ લેવડાવ્યા હતા. બાદમાં નીતિશ કુમારે કહ્યું હતું કે કેટલાક લોકોને લાગી રહ્યું છે કે વિપક્ષ ખતમ થઇ જશે. અમે પણ હવે વિપક્ષમાં જ આવી ગયા છીએ. અમે ઇચ્છીએ છીએ કે સમગ્ર વિપક્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં પોતાની એક્તા દેખાડે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી વચ્ચે અંતર અંગે પૂછાયેલા એક સવાલના જવાબમાં નીતિશ કુમારે કહ્યું હતું કે વાજપેયજી બહુ જ પ્રેમાણ હતા, તેઓને અમે ભુલી ન શકીએ. તે સમયની વાત જ અલગ હતી. મારે નરેન્દ્ર મોદી અંગે કઇ જ નથી કહેવું. નીતિશ કુમારની સાથે લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવે બિહારના ઉપમુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે જ તેજસ્વી યાદવે યુવાઓને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે એક મહિનાની અંદર જ બિહારમાં યુવાઓને બંપર સરકારી નોકરી મળશે. બેરોજગારી હટાવવા માટે ઝડપથી કામ થઇ રહ્યું છે. મુખ્યમંત્રી નીતિશ કુમારની સાથે પણ આ મુદ્દે વાતચીત થઇ ચુકી છે. બિહારના યુવાઓને બંપર સરકારી નોકરીઓ મળશે. બીજી તરફ બિહારમાં નીતિશ કુમારે એનડીએ સાથે છેડો ફાડતા ભાજપ દ્વારા રાજ્યમાં મોટા પાયે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ભાજપે આરોપ લગાવ્યો હતો કે નીતિશ કુમારે મતદારોની સાથે ગદ્દારી કરી છે. પટનામાં ભાજપ કાર્યાલયની બહાર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થયા હતા. બિહારના મહાગઠબંધનની સામે મહા ધરણાનું આયોજન ભાજપ દ્વારા કરાયું છે. ટૂંક સમયમાં જિલ્લા અને તાલુકા સ્તરે નીતિશ કુમારની સામે મોટા પ્રમાણમાં મોરચો ખોલવાનું એલાન પણ કરાયું હતું.   નીતિશે ઉપરાષ્ટ્રપતિ બનવું હતું, ભાજપે ના પાડતા છેડો ફાડયો : સુશિલ મોદીનીતિશ કુમારે એનડીએ સાથે છેડો ફાડતા જ ભાજપ અને જેડીયુ એકબીજાના વિરોધી બની ગયા હતા અને આરોપો શરૂ થઇ ગયા હતા. ભાજપના નેતા સુશિલ કુમાર મોદીએ દાવો કર્યો હતો કે નીતિશ કુમાર ઉપરાષ્ટ્રપતિ બનવા માગતા હતા. જોકે તેમની આ ઇચ્છા પુરી કરવાની ભાજપે ના પાડી દીધી હતી. જેને પગલે તેઓ ભારે ગુસ્સે ભરાયા હતા. અને તેથી જ ભાજપ સાથે છેડો ફાડયો હતો. સુશીલ મોદીએ સાથે એવો પણ દાવો કર્યો હતો કે મહાગઠબંધનની નવી સરકાર બહુ લાંબો સમય નહીં ટકી શકે. નીતિશ કુમાર જ આરજેડીના બે ભાગલા પડાવી દેશે. બિહારની વર્તમાન સરકારનો કાર્યકાળ ૨૦૨૫માં પુરો થવાનો છે. જોકે વર્તમાન નવી સરકાર આ કાર્યકાળ પુરો નહીં કરી શકે.  નીતિશ કુમારની બધી ભુલો માફ : રાબડી દેવીનીતિશ કુમારના શપથ ગ્રહણ સમારોહમાં રાબડી દેવી સહિતનો લાલુ યાદવનો પરિવાર પણ પહોંચ્યો હતો. આ દરમિયાન રાબડી દેવીને મહાગઠબંધન અને નીતિશ કુમારની સરકાર અંગે પૂછાયેલા એક સવાલના જવાબમાં તેઓએ કહ્યું હતું કે બિહાર અને દેશની જનતા માટે આ ગઠબંધન સારુ છે. સાથે જ જ્યારે ૨૦૧૭માં નીતિશ કુમારે આરજેડી સાથે ગઠબંધન તોડયું તે અંગે પૂછવામાં આવ્યંુ તો તેઓએ કહ્યું હતું કે સબ માફ હૈ, સબ સાફ હૈ. ૨૦૧૫માં જેડીયુ અને આરજેડી-કોંગ્રેસના ગઠબંધનથી સરકાર બની હતી. જોકે આ ગઠબંધન વધુ સમય સુધી નહોતુ ચાલી શક્યું. નીતિશ કુમારે ૨૦૧૭માં ગઠબંધન સાથે છેડો ફાડયો હતો. જે અંગે પૂછાયેલા સવાલના જવાબમાં રાબડી દેવીએ કહ્યું હતું કે બધુ માફ કરી દેવામાં આવે છે.  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.