વિપક્ષ ગમે એટલો કાળો જાદુ કરે પણ જનતાનો વિશ્વાસ નહીં જીતી શકે : મોદી
- કોંગ્રેસના કાળા કપડામાં ધરણાં મુદ્દે વડાપ્રધાનનો ટોણો- કેટલાક લોકો પેટ્રોલ-ડીઝલ મફતમાં આપવાની જાહેરાત પણ કરી શકે, આવા પગલાંથી બાળકોનું ભવિષ્ય છીનવાઈ જશેનવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત મફત વસ્તુઓ કે સુવિધા આપવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. હરિયાણાના પાણીપતમાં એથેનોલ પ્લાંટના ઉદ્ધાટન દરમિયાન મોદીએ કહ્યું હતું કે રેવડી કલ્ચર દેશને આત્મનિર્ભર બનતા અટકાવે છે. દેશના વિકાસ માટે જરુરી છે કે સરકારની પાસે પૈસા હોય કે જેનો ઉપયોગ કોઇ રોકાણમાં કરી શકાય. મોદીનું આ નિવેદન આમ આદમી પાર્ટીને લઇને સામે આવ્યું હતું. સાથે જ કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા. મોદીએ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન સમારોહમાં બોલતી વેળાએ કહ્યું હતું કે આપણા દેશમાં પણ કેટલાક લોકો છે કે જેઓ નકારાત્મક્તામાં ફસાયેલા છે. સરકારની વિરુદ્ધ જુઠ પર જુઠ બોલવા છતા જનતા જનાર્દાન આવા લોકો પર વિશ્વાસ કરવા તૈયાર નથી. જેને કારણે હતાશ થયેલા આ લોકો હવે કાળા જાદુ તરફ વળી રહ્યા છે. આપણે પાંચમી ઓગસ્ટના રોજ જોયુ કે કેવી રીતે કાળા જાદુને ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ લોકો વિચારી રહ્યા છે કે કાળા કપડા પહેરીને તેઓની હતાશા અને નિરાશા દુર થઇ જશે. પણ આ લોકો ગમે તેવા કાળા જાદુ કરાવી લે જનતા તેઓ પર વિશ્વાસ નહીં કરે. વડાપ્રધાને આમ આદમી પાર્ટી પર આડકતરો હુમલો કરતા કહ્યું હતું કે, જે લોકોનું રાજકારણ આત્મ કેન્દ્રિત છે તેઓ ગમે ત્યારે આવીને પેટ્રોલ અને ડીઝલ મફતમાં આપવાની જાહેરાત પણ કરી શકે. આવા પગલાંથી દેશના બાળકોનું ભવિષ્ય છીનવાઈ જશે.કોંગ્રેસે હાલમાં જ દિલ્હીમાં કાળા કપડામાં કેન્દ્ર સરકાર, મોંઘવારી, જીએસટી, બેરોજગારી જેવા મુદ્દાઓને લઇને ધરણા પ્રદર્શન કર્યા હતા. જેને ટાંકીને નરેન્દ્ર મોદીએ આ નિવેદન આપ્યું હતું. મોદીએ દાવો કર્યો હતો કે આજે જ્યારે દેશ તિરંગાના રંગોમાં રંગાઇ ગયો છે ત્યારે આપણા સ્વતંત્રતા સેનાનિયોનું અપમાન કરવાનો પ્રયાસ કેટલાક લોકોએ કર્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.