મ્યુનિ.તંત્રનું અણઘડ આયોજન, મેમનગરમાં ૩૦ લાખનાં ખર્ચે બનાવાયેલ ટેનિસ કોર્ટની કફોડી હાલત - At This Time

મ્યુનિ.તંત્રનું અણઘડ આયોજન, મેમનગરમાં ૩૦ લાખનાં ખર્ચે બનાવાયેલ ટેનિસ કોર્ટની કફોડી હાલત


અમદાવાદ,બુધવાર,10
ઓગસ્ટ,2022અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અણઘડ આયોજનના કારણે બે
વર્ષ પહેલાં ૩૦ લાખના ખર્ચે મેમનગરમાં બનાવાયેલ ટેનિસ કોર્ટની હાલમાં કફોડી હાલત
જોવા મળી રહી છે.લોકાર્પણની તકતી તુટી ગઈ છે.દારુની બોટલ પણ મળી આવી છે.સ્ટેન્ડીંગ
કમિટી ચેરમેનના કહેવા પ્રમાણે,આ ટેનિસ
કોર્ટ પી.પી.પી.ધોરણે ચલાવવા આપવા ટેન્ડર પ્રક્રીયા હાથ ધરવામાં આવી છે.રાજયના મુખ્યમંત્રીના ઘાટલોડીયા વોર્ડમાં આવેલા મેમનગર વિસ્તારમાં
બે વર્ષ અગાઉ ૩૦ લાખના ખર્ચે ટેનિસ કોર્ટ બનાવી એનુ લોકાર્પણ કરવામાં આવ્યુ
હતું.બે વર્ષથી આ ટેનિસકોર્ટ ધૂળ ખાઈ રહી છે.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે કરેલા
આક્ષેપ મુજબ,આ ટેનિસ
કોર્ટમાં ઠેર-ઠેર ગંદકી જોવા મળી રહી છે.શૌચાલય પણ તુટી ગયા છે.દારુની બોટલ મળી આવતા
આ ટેનિસ કોર્ટ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે.મેમનગર તળાવની પાસે આવેલ દિવ્યપથ
સ્કૂલની બાજુમાં આવેલા પ્લોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે વર્ષ અગાઉ ટેનિસ
કોર્ટ બનાવવામાં આવી હતી.જેનુ લોકાર્પણ કરવામાં આવ્યા બાદ પણ બે વર્ષથી બંધ
હાલતમાં છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાખો રુપિયાનો ખર્ચ
કરીને શહેરના વિવિધ વિસ્તારમાં સ્પોર્ટસ સંકુલ,ટેનિસ કોર્ટ વગેરે બનાવવામાં આવે છે.પરંતુ આ તમામ માત્ર
કોન્ટ્રાકટરને આપવા માટે બનાવવામાં આવતા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યુ
છે.તત્કાલિન મુખ્યમંત્રી દ્વારા બે વર્ષ અગાઉ લોકાર્પણ કરવામાં આવેલ આ ટેનિસ કોટ
ઝડપથી શરુ કરવા વિપક્ષ તરફથી માંગણી કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.