ગુજરાતી મહિલાઓને કેજરીવાલનું વચન; દર મહીને રૂ.1000નું એલાઉન્સ આપીશ
અમદાવાદ તા. 10 ઓગષ્ટ 2022,બુધવારગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં ચુંટણીઓ આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી (આપ) એકદમ આક્રમક રીતે ગુજરાતમાં ચુટણી પ્રચાર કરી રહી છે. ખેડૂતોને મફત વીજળી, માધ્યમવર્ગને વીજળીના બીલમાં રાહત બાદ આજે દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે મહિલાઓને આકર્ષવા માટે નવી જાહેરાત કરી હતી. કેજરીવાલે જાહેરાત કરી છે કે પોતાની પાર્ટી સત્તા ઉપર આવે તો ગુજરાત રાજ્યની ૧૮ વર્ષથી વધારે ઉંમરની મહિલાઓને દર મહીને રૂ.૧,૦૦૦નું એલાઉન્સ પોતાની સરકાર આપશે. “આ કોઈ રેવડી નથી. પ્રજાના પૈસા પ્રજાને પરત મળવા જોઈએ અને નહિ કે સ્વીસ બેંકમાં જમા થવા જોઈએ,” એમ કેજરીવાલે આજે જાહેરાત કરતા જણાવ્યું હતું. ડિસેમ્બરમાં ચુટણી અગાઉ દર સપ્તાહે અચૂક અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવે છે. ગત સપ્તાહે તેમણે જામનગર ખાતે સ્થાનિક ઉદ્યોગો અને વેપારી સાહસિકો સાથે મંથન કર્યું હતું. પોતાની સરકાર પ્રજાને રાહત આપશે તેની પાંચ જેટલી ગેરેંટી આપ પાર્ટીએ આપી છે. અગાઉ, દરેક મહીને પ્રજાને ૩૦૦ યુનિટ સુધી મફત વીજળી, બેરોજગારને રૂ.૩,૦૦૦ પ્રતિ મહીને આપવાનું વચન પણ તેમાં આવી જાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.