કેરળમાં વરસાદના કારણે પાણી ભરાતા એક વ્યક્તિએ પ્રશાસનનું ધ્યાન દોરવા અનોખો વિરોધ કર્યો
- ધારાસભ્યની કાર આ રસ્તા પરથી પસાર થઈ ત્યારે આ વ્યક્તિએ યોગ કરવાનું શરૂ કરી દીધું હતુંમલપ્પુરમ, તા. 10 ઓગષ્ટ 2022, બુધવારકેરળમાં એક વ્યક્તિએ અનોખો વિરોધ કરીને રસ્તાઓમાં પડેલા ખાડાઓ તરફ પ્રશાસનનું ધ્યાન દોર્યું હતું. હકીકતમાં વરસાદના કારણે રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાયા હતા. આવી સ્થિતિમાં એક વ્યક્તિએ રસ્તા પરના ગંદા પાણીના ખાડામાં સ્નાન કરીને સમસ્યા તરફ સૌનું ધ્યાન દોર્યું હતું. વીડિયોમાં આ વ્યક્તિ ગંદા પાણીમાં સ્નાન કરતો જોવા મળે છે. આટલું જ નહીં, વ્યક્તિએ પોતાની સાથે ડોલ, મગ, સાબુ અને સ્નાન કર્યા બાદ શરીર લુછવા માટે ટુવાલ પણ રાખ્યો હતો. આ દરમિયાન રસ્તા પરથી આવતા-જતાં લોકો તેને જોતા જ રહી ગયા હતા. ખાસ વાત એ છે કે, આ પ્રદર્શન ધારાસભ્યની સામે થયું છે. હકીકતમાં રસ્તાના ખાડામાં ભરેલા પાણીથી જ્યારે આ વ્યક્તિ સ્નાન કરી રહ્યો હતો ત્યારે વિસ્તારના ધારાસભ્ય ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. જ્યારે ધારાસભ્યની કાર આ રસ્તા પરથી પસાર થઈ ત્યારે આ વ્યક્તિએ યોગ કરવાનું શરૂ કરી દીધું હતું. આ ઘટના મલપ્પુરમ વિસ્તારની છે.ધારાસભ્ય પોતાની કારમાંથી નીચે ઉતર્યા અને આસપાસમાં હાજર લોકો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન આ વ્યક્તિ યોગ કરતો જોવા મળ્યો હતો. આ વ્યક્તિના અનોખા વિરોધનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકોને આ વ્યક્તિનો અનોખો વિરોધ એકદમ યોગ્ય લાગ્યો છે.મલપ્પુરમ વિસ્તારના રસ્તાઓ ખૂબ જ ખરાબ છે અને વરસાદ બાદ રસ્તાઓની હાલત ખરાબ થઈ જાય છે પરંતુ વહીવટી તંત્ર દ્વારા કંઈ કરવામાં આવતું નથી. આવી સ્થિતિમાં ખાડાઓમાં ભરાયેલા પાણીમાં સ્નાન દ્વારા આ સમસ્યા તરફ પ્રશાસનનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.