જાણો 2015ના એ કેસ વિશે જેમાં યોગી સરકારના મંત્રી સંજય નિષાદને મળ્યા જામીન - At This Time

જાણો 2015ના એ કેસ વિશે જેમાં યોગી સરકારના મંત્રી સંજય નિષાદને મળ્યા જામીન


- તેઓ મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ કોર્ટ તથા એમપી-એમએલએ કોર્ટ સમક્ષ હાજર થયા હતા જ્યાં જજે તેમને આગલી તારીખ પર હાજર થવા માટે જણાવ્યુંગોરખપુર, તા. 10 ઓગષ્ટ 2022, બુધવાર ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી ડોક્ટર સંજય નિષાદ આજ રોજ ગોરખપુરની મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર થયા હતા. કોર્ટમાં તેમને જામીન આપી દેવામાં આવ્યા છે અને એક મહિના પછીની તારીખે બોલાવવામાં આવ્યા છે. ગોરખપુરમાં આજ રોજ વકીલોની હડતાળ હોવાના કારણે ડોક્ટર સંજય નિષાદના વકીલોએ તેમને આજે સવારે 10:00 વાગ્યામાં કોર્ટમાં હાજર કરી દીધા હતા. 2015માં કસરવલ ખાતે બનેલી એક દુર્ઘટના મામલે ડોક્ટર સંજય નિષાદ સામે અનેક ગંભીર કલમો અંતર્ગત કેસ દાખલ કરવામાં આવેલો હતો. છેલ્લા અનેક સમયથી તેઓ કોર્ટની તારીખમાં હાજરી નહોતા આપી રહ્યા. આ કારણે કોર્ટે તેમના વિરૂદ્ધ બિનજામીન પાત્ર વોરંટ જાહેર કર્યું હતું. ડોક્ટર સંજય નિષાદના કહેવા પ્રમાણે તેમના વકીલો સાથે કોઈ ગૂંચવણ થઈ હોવાના કારણે કોર્ટે તેમના વિરૂદ્ધ વોરંટ બહાર પાડ્યું હતું. આજે તેઓ મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ કોર્ટ તથા એમપી-એમએલએ કોર્ટ સમક્ષ હાજર થયા હતા જ્યાં જજે તેમને આગલી તારીખ પર હાજર થવા માટે જણાવ્યું છે. ડોક્ટર સંજય નિષાદના કહેવા પ્રમાણે તેમણે જે પોલીસવાળાઓ સામે કેસ દાખલ કરેલો છે તેની સુનાવણી પણ એક જ કોર્ટમાં થાય તે માટે આજે તેઓ પોતાના વકીલો સાથે વાત કરશે. ટૂંક સમયમાં જ આ અંગેની સુનાવણી પૂરી થાય તેવી આશા છે. જાણો શું છે સમગ્ર કેસવર્ષ 2015ની 7 જૂનના રોજ સરકારી નોકરીમાં નિષાદોને 5 ટકા અનામત મળે તેવી માંગણી સાથે સહજનવા થાણા ક્ષેત્રના કસરવલ ખાતે એક આંદોલન થયું હતું. તે સમયે આંદોલનકારીઓ રેલવે ટ્રેક પર બેસી ગયા હતા. વિવાદ વકરતાં પોલીસે લાઠીચાર્જ શરૂ કર્યો હતો અને તે દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યાર બાદ પોલીસના ગોળીબારમાં તે વ્યક્તિનું મોત થયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તે વ્યક્તિના મૃત્યુ બાદ આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું અને આંદોલનકારીઓ પોલીસ સાથે બાખડી પડ્યા હતા. તેમણે પોલીસની અનેક ગાડીઓને આગના હવાલે કરી દીધી હતી અને સમગ્ર તોફાન, હિંસામાં 24 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. ત્યાર બાદ સંજય નિષાદ સહિત અનેક લોકો સામે બળવા, તોડફોડ, આગજની સહિતની સંબંધીત કલમો અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.