લગ્ન જીવનની તકરારોને લઇ હાઇકોર્ટનું સૂચન, લગ્ન વિખવાદમાં હંમેશા પતિ-પત્ની વચ્ચે મેળાપના પ્રયાસો કરવા જોઇએ
અમદાવાદ,તા.09 ઓગષ્ટ 2022,મંગળવારલગ્નજીવનના વિખવાદના કેસોને લઇ ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ અને માર્મિક સૂચન કરતાં જણાવ્યું હતું કે, લગ્ન જીવનની તકરારના કેસોમાં હંમેશા પતિ-પત્ની વચ્ચે પુન; મેળાપ થાય તેવા પ્રયાસો હાથ ધરવા જોઇએ. કારણ કે, લગ્નજીવનના વિવાદમાં કાયદો પછી આવે છે, પહેલાં સમાધાન આવે છે. માતા-પિતાના ઝઘડામાં નિર્દોષ બાળકનું ભવિષ્ય કોઇપણ સંજોગોમાં બગડવું ના જોઇએ. બાળકને માતા અને પિતા બંનેના પ્રેમ તેમ જ હુંફની જરૂર હોય છે. મુંબઇમાં રહેતા પતિ અને સુરતમાં રહેતી પત્ની વચ્ચેના લગ્નજીવનની તકરારના કેસની સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટિસે અરવિંદુકમારે બહુ સંવેદનશીલ વાત કહી હતી. લગ્નજીવનના વિવાદમાં કાયદો પછી આવે પહેલા સમાધાન ; માતા-પિતાના ઝઘડામાં બાળકનું ભાવિ ના બગડવું જોઇએહવે આ કેસમાં ચીફ જસ્ટિસની વડપણ હેઠળની બેંચ દ્વારા આગામી તા.૨જી સપ્ટેમ્બરના રોજ મીડિએશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હાઇકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, સાસુ-વહુ વચ્ચેની તકરાર કે વિખવાદમાં પતિ-પત્ની વચ્ચેના સંબંધો બગડે એ વાજબી ના કહી શકાય. માતાએ પણ એ બાબત બહુ સારી રીતે સમજવી જોઇએ કે, જયારે તેની દિકરી પરણાવવાની થશે ત્યારે પિતાની જરૂર પડશે. જો બાળકને માતા-પિતા બંનેનો પ્રેમ ના મળે તો બાળક માનસિક રીતે પરિપકવ થઇ શકે નહી. બાળકના માનસ પર આ પ્રકારે પડતી વિપરતી અસરોને લઇને માતા-પિતાએ પણ બહુ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવું પડે. દરમ્યાન ચીફ જસ્ટિસે મહિલા તરફથી કેસ લડતી મહિલા વકીલને પૃચ્છા કરી હતી કે, શું તમારા લગ્ન થયેલા છે. જેથી મહિલા વકીલને નકારમાં જવાબ આવતાં ચીફ જસ્ટિસે કહ્યું કે, જો તમારા લગ્ન નથી થયા તો, તમે પતિ-પત્ની વચ્ચેના સંબંધો વિશે સારી રીતે સમજી શકશો નહી. પતિ પત્ની વચ્ચે સમાધાન થઇ અને તેઓ ફરીથી પોતાના ઘરસંસાર શરૂ કરશે એ પળે તમે કેસ જીતવામાં જેટલો આનંદ નહી મેળવ્યો હોય તેટલો આનંદ મેળવશો. પતિ તરફથી ભરણપોષણ નહી ચૂકવાતાં પત્ની તરફથી કરાયેલી રિટ અરજીમાં હાઇકોર્ટે આ કેસમાં બાળકી સાથે હાજર થવા માતાને અને ભરણપોષણના ડિમાન્ડ ડ્રાફટ સાથે હાજર રહેવા પતિને અગાઉ હુકમ કર્યો હતો. જેના અનુસંધાનમાં પતિ તરફથી છ લાખ રૂપિયા પત્નીના ખાતામાં આજે જમા કરાવી દેવાયા હોવાની જાણ હાઇકોર્ટને કરાઇ હતી અને બાકીની રકમ ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા પે ઓર્ડરથી ચૂકવવાની હૈયાધારણ આપી હતી. - ચીફ જસ્ટિસે અગાઉના લાગણીસભર કેસની વાત વાગોળીચીફ જસ્ટિસે પતિ-પત્ની વચ્ચેના વિખવાદમાં પોતે કરેલી મીડિએશનના કિસ્સાની વાત વાગોળતાં જણાવ્યું કે, એ કેસમાં બાળકે(પુત્રએ) જન્મથી જ તેના પિતાને જોયા ન હતા. જયારે બંને પતિ-પત્નીને સમાધાન માટે મેં બોલાવ્યા ત્યારે બાળકને પણ હાજર રાખવા કહ્યુ હતું. હું થોડી ચોકલેટ્સ પણ બાળક માટે લાવ્યો હતો કે જેથી પિતા પોતાના બાળકને એ ચોકલેટ આપી શકે. પિતાએ જયારે બાળકને ચોકલેટ્સ આપી ત્યારે તમને ખબર છે એ બાળકે શું કહ્યુ...?? તેણે કહ્યું કે, થેન્કયુ અન્કલ...પોતાનો જ પુત્ર પોતાને અન્કલ કહી રહ્યો હોવાનું સાંભળીને પિતા ચોધાર આંસુએ રડી પડયા હતા. મારી આંખો પણ એ વખતે ભીની થઇ હતી. આ કેસમાં પતિ-પત્ની વચ્ચે સુખદ સમાધાન થયા બાદ બંનેએ ફરીથી ઘરસંસાર શરૂ કર્યો, આજે એમને બીજુ સંતાન પણ છે. લગ્ન વિખવાદમાં જયારે સુખદ અંત આવે ત્યારે તેમાં સમાધાન કરાવનારને પણ જે આનંદ મળે તે શબ્દોમાં વર્ણવી શકાતો નથી એમ ચીફ જસ્ટિસે ઉમેર્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.