અયોધ્યામાં ભાજપના ધારાસભ્ય સહિત ૪૦ સામે જમીન કૌભાંડનો આરોપ
અયોધ્યા, તા.૭અયોધ્યા વિકાસ ઓથોરિટીએ અયોધ્યા શહેરના મેયર, ભાજપના સ્થાનિક ધારાસભ્ય અને પક્ષના એક પૂર્વ ધારાસભ્ય સહિત ૪૦ લોકો સામે જમીનની ગેરકાયદે લેવડ-દેવડમાં સંડોવણીનો આરોપ મૂક્યો છે.અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીના ઉપાધ્યક્ષ વિશાલ સિંહના જણવ્યા મુજબ ઓથોરિટીએ શહેરમાં જમીનની ગેરકાયદે ખરીદ-વેચાણ અને બાંધકામ કાર્ય કરનારા ૪૦ લોકોની યાદી શનિવારે જાહેર કરી છે. આ યાદીમાં મેયર ઋષિકેશ ઉપાધ્યાય અને ધારાસભ્ય વેદ પ્રકાશ ગુપ્તા સહિત ૪૦ લોકોના નામ છે. જોકે, મેયર ઋષિકેશ અને ધારાસભ્ય વેદ પ્રકાશ ગુપ્તાએ ઓથોરિટીની યાદીમાં ગડબડ થઈ હોવાનો અને પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો છે. અયોધ્યામાં રામમંદિરની તરફેણમાં સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવ્યા પછી અનેક વખત જમીન કૌભાંડના અહેવાલો બહાર આવ્યા છે. પહેલા રામ મંદિર પરિસરના વિસ્તાર માટે આજુબાજુના મંદિરો અને ઘરોને ખરીદવાનું કામ ખૂબ જ ઝડપે ચાલી રહ્યું હતું. તે સમયે આરોપ મૂકાયા હતા કે ટ્રસ્ટ મોંઘા ભાવે જમીન ખરીદી રહ્યું છે. ટ્રસ્ટ પર બે કરોડની જમીન કેટલીક મિનિટોમાં જ ૧૮.૫ કરોડમાં ખરીદવાનો આરોપ થયો હતો. હજુ આ મામલો શાંત નથી પડયો ત્યાં અયોધ્યાના મેયરના ભત્રીજા દીપ નારાયણ પર એક જમીન માત્ર ૨૦ લાખમાં ખરીદીને મંદિર ટ્રસ્ટને ૨.૫ કરોડમાં વેચવાનો આરોપ મૂકાયો હતો.મેયરના ભત્રીજા દીપ નારાયણ ઉપાધ્યાયે જે જમીન ખરીદી હતી તે હકીકતમાં સરકારી છે. આ જમીન ફ્રી હોલ્ડ પણ નથી થઈ. દીપ નારાયણને માત્ર ૨૦ લાખ રૂપિયામાં આ જમીન વેચનાર બડા સ્થાન દશરથ મહેલ મંદિરના મહંત દેવેન્દ્ર પ્રસાદાચાર્યે પોતે તેનો ખુલાસો કર્યો હતો. આ મુદ્દો ઊછળતા તેમાં અનેક લોકોના નામ સામે આવ્યા છે. અયોધ્યા ડેવરમેન્ટ ઓથોરિટીએ શહેરમાં ગેરકાયદે પ્લોટિંગ અને ગેરકાયદે કોલોનાઈઝરની જાહેર કરેલી યાદીમાં અનેક વગદારોના નામ સામેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.