પૂર્વોત્તરમાં જુલાઈમાં ગરમીએ ૨૯.૫૭ ડિગ્રી સે. સાથે ૧૨૨ વર્ષનો રેકોર્ડ તોડયો - At This Time

પૂર્વોત્તરમાં જુલાઈમાં ગરમીએ ૨૯.૫૭ ડિગ્રી સે. સાથે ૧૨૨ વર્ષનો રેકોર્ડ તોડયો


નવી દિલ્હી, તા.૭ભારતમાં પૂર્વ અને પૂર્વોત્તરના વિસ્તારોમાં જુલાઈમાં ગરમીએ છેલ્લા ૧૨૨ વર્ષનો રેકોર્ડ તોડયો છે. આ સમયમાં આ વિસ્તારમાં વરસાદ પણ ઓછો પડયો છે. આ વિસ્તારમાં જુલાઈમાં સરેરાશ તાપમાન ૨૯.૫૭ ડિગ્રી સે. રહ્યું, જે સામાન્ય કરતાં ૧.૬૪ ડિગ્રી વધુ હતું. વધુમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૩.૭૫ ડિગ્રી સે. રહ્યું, જે સામાન્ય કરતાં ૨.૩૦ ડિગ્રી વધુ છે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું.હવામાન વિભાગના માસિક જળવાયુ રિપોર્ટમાં જણાવ્યા મુજબ ગયા મહિને ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાન ૨૩.૫૬ ડિગ્રી સે.ના સામાન્ય તાપમાનની સરખામણીમાં ૨૪.૩ ડિગ્રી સેલ્સિયસ હતું. ઉત્તર પશ્ચિમ ભારતમાં સરેરાશ લઘુત્તમ તાપમાન ૧૯૦૧ પછી ત્રીજું સૌથી વધુ હતું. આ અહેવાલથી સ્પષ્ટ થાય છે કે સારા વરસાદ છતાં જુલાઈમાન તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.હવામાન વિભાગના રિપોર્ટ મુજબ પૂર્વીય અને પુર્વોત્તર ભારતના આસામ અને મેઘાલયમાં જૂનમાં ૧૨૨ વર્ષમાં થયેલા વિક્રમી વરસાદ (૮૫૮.૧ મી.મી.) પછી જુલાઈમાં વિક્રમી ગરમી પડી છે. જુલાઈમાં અહીં સરેરાશ મહત્તમ તાપમાન ૩૩.૭૫ ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં ૨.૩૦ ડિગ્રી વધુ હતું. એ જ રીતે સરેરાશ લઘુત્તમ તાપમાન ૨૫.૪૦ ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જે સામાન્યથી ૦.૯૯ ડિગ્રી વધુ હતું.પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં વિક્રમી ગરમી વચ્ચે સમગ્ર દેશમાં જુલાઈમાં ૩૨૭.૭ મીમી વરસાદ થયો હતો, જે લાંબા સમયની સરેરાશ કરતાં ૧૭ ટકા વધુ છે. વધુમાં ૨૦૦૧ પછી આ બીજો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. બીજીબાજુ દક્ષિણ ભાગમાં જુલાઈમાં વર્ષ ૧૯૦૧ અને ૧૯૬૧ પછી બીજો સૌથી વધુ વરસાદ થયો છે. એ જ રીતે ૧૯૪૪, ૧૯૩૨, ૧૯૪૨ અને ૧૯૫૬ તથા ૧૯૦૧ પછી મધ્ય ભારતમાં પાંચમો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. આ દરમિયાન પૌડી, પટાણકોટ, શ્રીનગર અને ભીલવાડા સહિત ૧૨ હવામાન વિજ્ઞાન કેન્દ્રોએ સૌથી વધુ વરસાદ નોંધ્યો હતો.હવામાન વિભાગના રિપોર્ટ મુજબ જુલાઈમાં વરસાદની અસમાન પેટર્ન સામે આવી છે, જેના કારણે પૂર્વીય અને પૂર્વોત્તર ભારતમાં ખેતી પર ગંભીર અસર પડી છે. વિશેષરૂપે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના ગંગા નદીના મેદાની વિસ્તારોમાં તેની સૌથી વધુ અસર થઈ છે. સમગ્ર દેશમાં પાંચ ઑગસ્ટ સુધીમાં સરેરાશ કરતાં ૬ ટકા વધુ વરસાદ નોંધાયો હોવા છતાં પૂર્વીય અને પૂર્વોત્તર ભારતમાં ૧૫ ટકા ઓછો વરસાદ થયો છે, જેમાં પશ્ચિમ બંગાળમાં ૪૬ ટકા, ઝારખંડમાં ૪૭ ટકા, બિહારમાં ૩૩ ટકા અને ઉત્તર પ્રદેશમાં ૪૨ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. બીજીબાજુ દક્ષિણ ભારતમાં ૩૫ ટકા, મધ્ય ભારતમાં ૧૦ ટકા અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં સામાન્યથી બે ટકા વધુ વરસાદ રહ્યો છે. હવામાન વિભાગે કહ્યું કે, ઓછા વરસાદના કારણે જ પૂર્વીય અને પૂર્વોત્તર ભારતમાં જુલાઈમાં સૌથી વધુ ગરમી પડી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.