સુરેન્દ્રનગરમાં શુક્રવારે પડેલા વરસાદે વોર્ડ-4 ના રહીશોને રડાવ્યા - At This Time

સુરેન્દ્રનગરમાં શુક્રવારે પડેલા વરસાદે વોર્ડ-4 ના રહીશોને રડાવ્યા


- એ.સી ચેમ્બરમાં બેસી પ્રિમોન્સુન કામગીરીમાં બેદરકારીના કારણે- સપનાના ઘરમાં વરસાદી પાણી ભરાવાની મુસીબતથી રહીશોની આંખોમાં આંસુ છલકાયાંસુરેન્દ્રનગર : પાલિકાની એ.સી ચેમ્બરમાં બેસી પ્રિમોન્સુન કામગીરીમાં બેદરકારીના કારણે સુરેન્દ્રનગરમાં શુક્રવારે પડેલા વરસાદે વોર્ડ-૪ના રહીશોને રડાવ્યા હતાં. સપનાના ઘરમાં વરસાદી પાણી ભરાવાની મુસીબતથી રહીશોની આંખોમાં આંસુ છલકાયાં હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતાં.શહેરમાં શુક્વારે બપોરે ધોધમાર વરસાદ પડયો હતો. તે દરમિયાન શહેરના વોર્ડનં-૪ના કેટલાક વિસ્તારોમાં રહેતા લોકોના ઘરમાં વરસાદી પાણી ઘુસી જતા તેમની હાલત કફોડી બની હતી. દુધરેજ ફાટક બહાર રહેતા પરિવારોના રૂમ-રસોડા સુધી પહોંચેલા પાણી ઘરની બહાર કાઢવા મહિલા સહિતના સભ્યોએ મથામણ કરી  હતી. કોઈ ડોલે-ડોલે ઉલેચતુ હતુ તો કોઈ ટબ-નળી મુકીને પાણી ઘરની બહાર કાઢવાની કોશીશ કરતુ હતુ. સપનાના ઘરમાં ફરી વળેલા વરસાદી પાણીથી આંખમાં પણ પાણી આવી જતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કોઈ નિઃસાસા નાંખતા હતા તો કોઈ રોષ ઠાલવતા હતા.આ તમામ સમસ્યાનું મુળ લાખો કરોડોના ખર્ચે નાંખેલી ભૂગર્ભ ગટરના બ્લોકેજ છે. વરસાદી પાણીના નિકાલ માટે નાંખેલી આ ભૂગર્ભ ગટર લાઈન જ વરસાદી પાણીના ભરાવા માટે  નિમિત બનતી હોય તેવા સુરન્દ્રનગરના અનેક વિસ્તારોમાં બનાવો બને છે. નોંધવા જેવી બાબત એ છે કે, શહેરના વોર્ડ નં ૪ માં જ્યાંથી ઘરમાં પાણી ભરાવાની ફરીયાદો ઉઠી તે વોર્ડ ખુદ નગરપાલીકા પ્રમુખનો મત વિસ્તાર છે ચોમાસા પહેલા તંત્રવાહકોએ પ્રિ-મોન્સુન કામગીરી કરી હોવાના ગુણગાન ગવાયા હતા. આ પ્રિ-મોન્સુન કામગીરીમાં ભૂગર્ભ ગટરની સાફ-સફાઈ અને બ્લોકેજ દુર કરવાની પણ કામગીરી હતી તેમ છતા અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરમાંથી ગટરના પાણી ઉભરાઈને મુખ્ય રોડ, શેરી-સોસાયટીમાં ફરી વળે છે, વરસાદી પાણીનો નિકાલ થતો નથી. અનેક જગ્યાએ અકસ્માત સર્જાય તે રીતે ભૂગર્ભ ગટરના ઢાંકણા તુટેલી-ફુટેલી હાલતમાં છે. જો નગરપાલીકા પ્રમુખના વોર્ડમાં જ લોકોના ઘરમાં નિકાલના અભાવે વરસાદી પાણી ઘુસી જાય તેવી પ્રિ-મોન્સુન કામગીરી થઈ હોય તો અન્ય વોર્ડ-વિસ્તારમાં કેવી કામગીરી થઈ હશે..? વોર્ડ નં-૪ના રહીશોએ અવારનવાર રજુઆતો કરવા છતા કોઈ પગલા ન લેવાયા અને આખરે લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.