વિદેશ ભાગી ગયેલા મેપલવિલના બિલ્ડર સામે ચોથી ફરિયાદ દાખલ - At This Time

વિદેશ ભાગી ગયેલા મેપલવિલના બિલ્ડર સામે ચોથી ફરિયાદ દાખલ


 વડોદરા, મેપલવિલાના ભાગેડૂ બિલ્ડર અપૂર્વ પટેલ દ્વારા રેરાના હુકમનું પાલન નહી કરી બંગલાની પૂરેપૂરી કિંમત લીધા પછી પણ માત્ર સેમ્પલ હાઉસ જેવું મકાન બનાવીને આપી દીધું હતું.જે અંગે માંજલપુર પોલીસે અપૂર્વ અને તેની પત્ની સામે ગુનો દાખલ કર્યો છે.વિદેશ ભાગી ગયેલા બિલ્ડર સામે ચોથી ફરિયાદ દાખલ થઇ છે.માંજલપુર વિશ્વામિત્રી રોડ પર ખોડલ નગર સોસાયટીમાં રહેતા વિજયસિંહ દિલીપસિંહ સોલંકી ઇ.આર.ડી.એ કંપની મકરપુરા ખાતે નોકરી કરે છે.માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,વર્ષ- ૨૦૧૭ માં સિદ્ધિ વિનાયક ડેવલપર્સના ભાગીદાર અને વહીવટકર્તા અપૂર્વ પટેલ અને તેના  પત્ની ભૈરવી  પટેલે વડસર રીંગ રોડ બિલાબોન્ગ સ્કૂલની પાછળ મેપલવિલા નામની બંગલાની સ્કીમ શરૃ કરી હતી.આ સ્કીમમાં અમે બંગલો લેવાનું નક્કી કર્યુ હતું.અને તપાસ કરવા માટે સાઇટ પર ગયા હતા.તે સમયે અપૂર્વ પટેલ ત્યાં હાજર  હતા.તેમણે જણાવ્યું હતું કે, એક બંગલાની કિંમત ૬૮ લાખ રાખવામાં આવી છે.અને ડિસેમ્બર - ૨૦૨૦ સુધીમાં મકાનનો કબજો સોંપી વેચાણ દસ્તાવેજ પણ કરી આપશે.જેથી,અમે બંગલો  નંબર - ૪૬ બુક કરાવ્યો હતો.અમે અપૂર્વને ૩૮ લાખ ચેકથી  આપ્યા હતા.અને બાકીના ૩૦ લાખની લોન લઇને ચૂકવ્યા હતા.તા.૧૩-૦૨-૨૦૧૯ સુધી અમે  અપૂર્વને ૬૮ લાખ ચૂકવી દીધા હતા.અપૂર્વએ મને તા.૧૪-૦૨-૨૦૧૯ ના  રોજ રજિસ્ટર્ડ વેચાણ  દસ્તાવેજ કરી આપ્યો હતો.પરંતુ, તેણે મકાનનું બાકીનું કામ પુરૃ કરી આપ્યુ નહતું.બે વર્ષ સુધી માત્ર વાયદા કર્યા હતા.જેથી,મે રેરામાં ફરિયાદ કરી હતી.રેરાએ હુકમ  કર્યો હતો કે,હુકમ મળ્યાના ૧૫ દિવસમાં બંગલાનો કબજો સોંપી દેવો.અને જો તેમાં વિલંબ કરે તો નવ ટકા  પ્રમાણે વ્યાજ ચૂકવવું.પરંતુ,મને બંગલાનો કબજો સોંપ્યો નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.