ઘૂસણખોરી રોકવા દેશની સરહદોને રોબોટિક સિસ્ટમથી સજ્જ કરાશે
નવી દિલ્હી, તા.૬ભારતીય સૈન્ય માટે પાકિસ્તાનની પશ્ચિમી સરહદે આતંકીઓની ઘૂસણખોરી માથાનો દુઃખાવો છે અને તેને રોકવા માટે સૈન્યે સતત એલર્ટ પર રહેવું પડે છે. જોકે, હવે સૈન્ય ઉત્તરીય અને પશ્ચિમી સરહદો પર સર્વેક્ષણની તેની ક્ષમતા વધારવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત નિરીક્ષણ સિસ્ટમ તૈનાત કરી રહ્યું છે. વધુમાં પૂર્વીય લદ્દાખમાં ચીન સાથે લાંબા સમયથી ઘર્ષણ વધવાના પગલે ભારતે હવે એલએસી નજીક ૫૦૦થી ૬૦૦ ઘોસ્ટ ગામોને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવા અને લોકોને વસાવવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય દેશમાં ૫-જી નેટવર્ક શરૂ થઈ રહ્યું છે ત્યારે સૈન્યે પણ સરહદે ૫-જી નેટવર્ક સ્થાપવા તૈયારી કરી છે.સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે, સરહદો પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) આધારિત સર્વેલન્સ સિસ્ટમ તૈનાત કરવા ઉપરાંત સોશિયલ મીડિયા પર રિયલ ટાઈમ નજર રાખવા માટે પણ તેનો ઉપયોગ કરાઈ રહ્યો છે. આતંકવાદ વિરોધી અભિયાનોમાં ગુપ્ત માહિતી મેળવવા માટે એઆઈ-આધારિત રિયલ ટાઈમ મોનિટરિંગ સોફ્ટવેર તૈનાત કરાયું છે. એઆઈ આધારિત શંકાસ્પદ વાહન ઓળખ સિસ્ટમને ઉત્તરીય અને દક્ષિણી થીયેટરમાં આઠ સ્થળો પર તૈનાત કરાઈ છે. સૈન્ય અધિકારીઓના જણાવ્યા મુજબ એઆઈ સૈન્ય અભિયાનોમાં પણ ઘણા જ મદદરૂપ છે.સરહદો પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ યુદ્ધની પરિભાષા જ બદલી નાંખશે. એઆઈ આધારિત સિસ્ટમનો ઉપયોગ સરહદો પર નિરીક્ષણ રાખવા, માહિતી મેળવવા, રિયલ ટાઈમ સોશિયલ મીડિયા નિરીક્ષણ, પેટર્નની ઓળખ વગેરે માટે કરી શકાય છે. એઆઈ આધારિત વિશેષ પ્રોજેક્ટ્સને અમલમાં મુકવા ભારતીય સૈન્ય ડીઆરડીઓ સાથે સહયોગ કરી રહી છે.આ માટે મિલિટ્રી કોલેજ ઓફ ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં એઆઈ લેબની સ્થાપના કરાઈ છે. તૈનાતી પહેલા આ ઉપકરણોનું ઈન-હાઉસ ટેસ્ટિંગ કરાયું છે. ભારતીય સૈન્ય હવે એઆઈ પ્રોજેક્ટ્સને ઉત્પાદન એજન્સીને સોંપવા જઈ રહ્યું છે. ભારતીય સૈન્યે ઉત્તરી અને પશ્ચિમી સરહદો પર એઆઈ પાવર્ડ સ્માર્ટ સર્વેલન્સ સિસ્ટમના અનેક યુનિટ તૈનાત કર્યા છે. સરહદો પર એઆઈ આધારિત ઓળખ વ્યવસ્થાએ મેન્યુઅલ નિરીક્ષણની જરૂરિયાત ઘણા અંશે ઘટાડી નાંખી છે. એટલું જ નહીં સેના ભવિષ્યમાં સ્પેસ વોર જેવા પડકારો અંગે પણ સજ્જ થઈ રહી છે.સરહદોને મજબૂત કરવા ટેક્નોલોજી અપનાવવાની સાથે ભારતે હવે ચીન સરહદે એલએસી પર તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં લેતાં એલએસી પાસેના ૫૦૦થી ૬૦૦ ઘોસ્ટ ગામોને અત્યાધુનિક સુવિધાથી સજ્જ કરવાનો નિર્ણય કર્યો છે. ચીને ભારતીય સરહદે ગામડા વસાવવાનું શરૂ કર્યું છે ત્યારે ભારત પણ આ દિશામાં આગળ વધ્યું છે. કેન્દ્ર સરકારે એલએસી નજીક ૧૦૦ ગામોને ફરીથી વસાવવાની યોજના બનાવી છે, જેને વાઈબ્રન્ટ વિલેજ કહેવામાં આવશે.એલએસી નજીક અંદાજે ૬૦૦ ગામો એવા છે જ્યાં કોઈ રહેતું નથી. રોજગારીના અભાવ તેમજ અનેક પ્રકારની મુશ્કેલીઓના કારણે ગામડાના લોકોએ શહેરોમાં અથવા અન્યત્ર સ્થળાંતર કર્યું છે. આ ગામડાંઓના નિવાસીઓ વર્ષમાં એકાદ વખત કૂળ દેવતાના પૂજન માટે આવે છે. સરકાર હવે આવા ગામોને અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરશે અને અહીં લોકો માટે રોજગારીની તકો પણ ઉપલબ્ધ કરાવશે. ઉત્તરાખંડમાં આવા ૧૧૫થી વધુ ગામોને વિકસાવવા માટેનો રિપોર્ટ પણ તૈયાર થઈ ગયો છે. સિક્કીમમાં ૫૦, અરૂણાચલમાં ૮૦થી ૧૨૦ ગામોને પણ પુનર્જિવિત કરાશે. આ તમામ ગામોને મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ કરાશે.દેશમાં નજીકના સમયમાં ૫-જી નેટવર્ક શરૂ થઈ રહ્યું છે ત્યારે ભારતીય સૈન્યે પણ ફિલ્ડ ફોર્મેશનની ઓપરેશનલ જરૂરિયાતો પૂરી કરવા સરહદ પર કોમ્યુનિકેશન અને હાઈ-સ્પીડ ડેટા નેટવર્કમાં સુધારા માટે ૫-જી નેટવર્ક સ્થાપવાની તૈયારી કરી છે. ચીને વધુ સારા કોમ્યુનિકેશન માટે એલએસી પર તેનું ૫-જી નેટવર્ક સ્થાપી દીધું છે ત્યારે ભારતીય સૈન્ય પણ આ દિશામાં આગળ વધી રહ્યું છે. મિલિટ્રી કોલેજ ઓફ ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગ અને આઈઆઈટી મદ્રાસ વચ્ચે ૫-જી ટેસ્ટબેડ સ્થાપવા માટે એમઓયુ થયા છે. આ ટેસ્ટબેડ ફિલ્ડ આર્મી માટે ૫-જી નેટવર્કના ઉપયોગની સુવિધા પૂરી પાડશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.