કોમનવેલ્થ ગેમ્સઃ સેમિ ફાઈનલમાં ભારતીય મહિલા હોકી ટીમ સાથે અન્યાય, હોકી ફેડરેશને પણ માફી માંગી - At This Time

કોમનવેલ્થ ગેમ્સઃ સેમિ ફાઈનલમાં ભારતીય મહિલા હોકી ટીમ સાથે અન્યાય, હોકી ફેડરેશને પણ માફી માંગી


નવી દિલ્હી,તા.6 ઓગસ્ટ 2022,શનિવારકોમનવેલ્થ ગેમ્સમાં હોકીની સેમિફાઈનલમાં ભારતીય મહિલા ટીમે લડાયક દેખાવ કર્યો હતો. આમ છતા પેનલ્ટી શૂટ આઉટમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવીને ફાઈનલમાં જગ્યા પાકી કરી છે.જોકે ભારતીય મહિલા ટીમ જે પ્રકારે હોકી રમી હતી તેના પર લોકો પણ આફરીન થઈ ગયા હતા. આ સેમિફાઈનલ મેચને લઈને પણ વિવાદ જાગ્યો છે અને ભારતીય ટીમને થયેલા અન્યાયને લઈને લોકો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.બંને ટીમોનો નિર્ધારીત સમય બાદ સ્કોર 1-1 ગોલનો રહ્યો હોવાથી મેચનો નિર્ણય પેનલ્ટી શૂટ આઉટથી થયો હતો. આ શૂટ આઉટ દરમિયાન પહેલા જ પ્રયત્નમાં ઓસી ખેલાડી રોઝી મેલોન ગોલ કરી શકી નહોતી. જોકે તેને એક વધારાનો પેનલ્ટી સ્ટ્રોક આપવામાં આવ્યો હતો. કારણકે રોઝી મેલોને જ્યારે પહેલી વખત પેનલ્ટી સ્ટ્રોક લીધો ત્યારે સ્કોરબોર્ડ પર આઠ સેકન્ડનુ કાઉન્ટ ડાઉન શરૂ થયુ નહોતુ.રોઝી મેલોન બીજો મોકો ચુકી નહોતી. આમ ઓસ્ટ્રેલિયા શૂટ આઉટમાં 1-0થી આગળ થઈ ગયા બાદ ભારતીય મહિલા હોકી ટીમ દબાવમાં આવી ગઈ હતી અને ભારત તરફથી થયેલા પહેલા ત્રણે પ્રયત્ન નિષ્ફળ ગયા હતા.ભારતીય ટીમને થયેલા અન્યાયને લઈને હવે ફેડરેશન ઓફ ઈન્ટરનેશનલ હોકીએ માફી માંગી છે અને કહ્યુ છે કે, ઓસ્ટ્રેલિયા અને ઈન્ડિયા વચ્ચે પેનલ્ટી શૂટ આઉટ બહુ જલ્દી શરૂ થઈ ગયો હતો. આ માટે અમે માફી માંગીએ છે.જ્યારે ઘડિયાળ સેટ ના થઈ હોય અને શૂટ આઉટ શરૂ થઈ ગયો હોય તો તેને રોકીને નવેસરથી શૂટઆઉટ શરૂ કરવામાં આવે છે.હવે ભારતીય ટીમ હોકીના ગોલ્ડ મેડલ રેસમાંથી તો બહાર થઈ ગઈ છે પણ રવિવારે ભારતીય મહિલા ટીમ બ્રોન્ઝ મેડલ માટે ન્યૂઝીલેન્ડ સામે પોતાની મેચ રમશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.