અર્પિતા પાસે ચાર હાર, ૧૮ ઈયરરિંગ્સ સહિત ૪.૩૧ કરોડનું સોનું, એલઆઈસીની ૩૧ પોલિસી - At This Time

અર્પિતા પાસે ચાર હાર, ૧૮ ઈયરરિંગ્સ સહિત ૪.૩૧ કરોડનું સોનું, એલઆઈસીની ૩૧ પોલિસી


ઈડીએ અર્પિતા પાસેથી સાડા છ કિલો સોનાના ઘરેણાં જપ્ત કર્યા છે. અર્પિતા મુખર્જીના ઘરે રેડ પાડી એ દરમિયાન ઈડીને સોનાના ચાર હાર, ૧૮ ઈયરરિંગ્સ, બે બ્રેસલેટ, સોનાના કડાં, વીંટીઓ, સોનાનો ચેન સહિતના લગભગ ૪.૩૧કરોડ રૃપિયાના ઘરેણાં મળી આવ્યા હતા. એ ઉપરાંત એલઆઈસીની ૩૧ પોલિસી મળી આવી હતી.શિક્ષક ભરતી કૌભાંડમાં પશ્વિમ બંગાળની સરકારના પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જી અને તેની સહયોગી અર્પિતા મુખર્જીની ધરપકડ થઈ છે. એ બંનેની તપાસ ચાલી રહી છે. એ દરમિયાન અર્પિતાના એકથી વધુ ઘરોમાં ઈડીએ દરોડા પાડયા હતા, જેમાં કરોડો રૃપિયાની રોકડ રકમ ઉપરાંત કરોડોના ઘરેણાં પણ મળી આવ્યા છે. ઈડીના કહેવા પ્રમાણે અર્પિતાના એક ઘરમાં રેડ પાડી ત્યારે ૨૭ કરોડની રોકડ રકમની સાથે સાથે ૪.૩૧ કરોડના સોનાના ઘરેણાં મળી આવ્યા હતા. ૨૪ કેરેટ, ૨૨ કેરેટનું લગભગ સાડા છ કિલો સોનું ઈડીને મળી આવ્યું હતું. એ બાબતે હવે ઈડી અર્પિતાની પૂછપરછ કરશે. ઈડીએ કહ્યું હતું કે આ બંને એકબીજાને વર્ષોથી ઓળખતા હતા. અર્પિતા પાર્થની સૌથી કરીબી સાથી હતી. એ બંનેએ મળીને અ-પા નામથી એક ફાર્મ હાઉસ પણ ખરીદ્યું હતું. અર્પિતાએ એલઆઈસીની ૩૧ પોલિસી લીધી હતી, એ તમામમાં પાર્થ ચેટર્જી નોમિની છે.દરમિયાન ઈડીએ અર્પિતાના એક ઘરમાં રેડ પાડી એ દરમિયાન ૨૨ મોબાઈલ મળી આવ્યા હતા. એમાં અનેક રહસ્યો હોવાની શક્યતા છે. તે સિવાના ઈલેક્ટ્રિક ડિવાઈસ પણ મળી આવ્યા છે. એમાં હજુ વધુ ધડાકા થઈ શકે છે. આ તમામ ઈલેક્ટ્રિક ડિવાઈસના સ્માર્ટ લોક ખોલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઈડી બંનેને સામ-સામે રાખીને પણ આગામી સમયમાં પૂછપરછ કરે એવી શક્યતા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.