વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન 3 લાખ રાષ્ટ્ર ધ્વજ અને 4 લાખ લાકડીઓ ખરીદશે
વડોદરા,તા.04 ઓગષ્ટ 2022,ગુરૂવારહર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો તેમજ રાષ્ટ્રધ્વજ સહિતની સાધન સામગ્રી ખરીદવા માટે તમામ પ્રકારનો ખર્ચ વગર બાધે કરવા મ્યુનિસિપલ કમિશનરે સ્થાયી સમિતિની મંજૂરી માંગી છે.આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વડોદરા કોર્પોરેશન દ્વારા તમામ ઘરો, વેપાર ધંધાના સ્થળો, ધાર્મિક સ્થાનો સહિતના સ્થળોએ 13 થી 15 ઓગસ્ટ દરમિયાન તિરંગો ફરકાવવા માટે અપીલ કરવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વડોદરા કોર્પોરેશનને 03 લાખ રાષ્ટ્રધ્વજની ફાળવણી પણ કરવામાં આવી છે. ત્યારે રાષ્ટ્રધ્વજ માટે લાકડીની જરૂરિયાત હોય વડોદરા કોર્પોરેશન દ્વારા સ્થાનિક વેપારી આશાભાઈ બાપૂભાઈ પાસેથી પ્રતિ સ્ટીક રૂ. 04 લેખે 04 લાખ સ્ટીકસ ખરીદવાનું નક્કી કર્યું છે. જે માટે 16 લાખ પૈકી 50 ટકા એડવાન્સ રકમ ચૂકવવાની થાય છે. આ ઉપરાંત રાષ્ટ્રધ્વજના વેચાણ માટે સ્ટોલ, સ્ટેજ, ફરાસખાના ,ફોટોગ્રાફી, પાણીની વ્યવસ્થા ઉભી કરવા માટે પણ નાણાની જરૂરિયાત ઉદ્ભવશે. જેથી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આનુષગિક તમામ ખર્ચ અર્થેની મંજૂરી મ્યુનિસિપલ કમિશનર સાલીની અગ્રવાલને આપવા અંગેનું કામ સ્થાયી સમિતિ સમક્ષ રજુ થયું છે. જે અંગેનો ખર્ચ સંસ્કાર કાર્યક્રમના બજેટ 3.20 કરોડમાંથી થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.