દાંડીયા રાસના માત્ર રૂ. 500થી વધુ સીઝન પાસના પ્રોફેશનલ આયોજનો પર GST
18 ટકા GST રાસ ઈવેન્ટ પર વર્ષોથી અમલી, વિરોધ હવે થયો! : ભક્તિના પર્વ નવરાત્રિમાં શેરી,સોસાયટી, ચોકમાં થતા ગરબા પર કોઈ જ GST નથી,ઉંચી ફીવાળા ધંધાદારી આયોજનો કરપાત્ર : ગરબી મંડળો, લત્તાવાસીઓ ખર્ચ પૂરતો ફંડફાળો કરી ફ્રી એન્ટ્રી સાથે ગરબાનું આયોજન કરે તેના પર કોઈ પણ પ્રકારનો વેરો લાગુ પડતો નથી રાજકોટ, : રાષ્ટ્રની, સૌરાષ્ટ્રની સંસ્કૃતિ નવરાત્રિમાં માતાજીના ભક્તિભાવપૂર્વક ગરબાની છે અને આ વખતે નવરાત્રિ આયોજનોની તડામાર તૈયારીઓ થઈ રહી છે ત્યારે ગરબા પર ટેક્સના નામે ઉહાપોહ અને વિરોધ પ્રદર્શનો પણ થવા લાગ્યા છે પરંતુ, આ અંગે ગુજરાત જી.એસ.ટી.ના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક સાધતા દાંડીયારાસના ઈવેન્ટ તરીકે, ઉંચી ફી વસુલીને માર્કેટીંગ કરીને થતા આધુનિક દાંડીયારાસ ઉપર જ 18 ટકા જી.એસ.ટી.લાગુ પડે છે, હજારો સ્થળે થતી પરંપરાગત ગરબી,રાસગરબા પર કોઈ પણ પ્રકારનો ટેક્સ નથી તેમ જણાવ્યું હતું. અર્વાચીન કે ડિસ્કો દાંડીયા રાસ ઉપર જી.એસ.ટી. પાંચ વર્ષ પહેલાથી અમલમાં છે. બાદમાં તા. 18-1-2018ના જી.એસ.ટી.કાઉન્સિલની 25મી મીટીંગ દિલ્હીમાં યોજાઈ તેમાં રિલેક્સેશન આપવામાં આવ્યું હતું. જે મૂજબ નૃત્ય, સ્પોર્ટ, એવોર્ડ ફંક્શન, સરકસ, નાટક વગેરે ઈવેન્ટમાં સમગ્ર કાર્યક્રમની ટિકીટ ફીની મર્યાદા રૂ. 250થી વધારીને રૂ. 500 પ્રતિ વ્યક્તિ કરાઈ હતી. અર્થાત્ 9 દિવસ દાંડિયા ખેલવાની રૂ. 500થી ઓછી ફી રાખતા આયોજકોને 18 ટકા જી.એસ.ટી. લાગુ પડશે નહીં.પરંતુ, રાજકોટ સહિત મહાનગરોમાં કેટલાક આયોજનોમાં મોટાપાયે ભપકો કરાય છે. માતાજીના ગરબા તો પરંપરાગત વાજિંત્રો સાથે કર્ણપ્રિય સંગીત સાથે હજારો સ્થળે લેવાય છે પણ કેટલાક આયોજકો યુવાન-યુવતીઓના ટોળા આકર્ષવાઅને કાર્યક્રમને ભક્તિમયને બદલે મનોરંજક બનાવવા વધુને વધુ, હજારો વોટની સાઉન્ડ સીસ્ટમ, રોશનીનો ઝાકમઝોળ, ખાણીપીણી ,લાખોના ખર્ચે સ્ટેજ, મ્યુઝિક પાર્ટી, ફિલ્મી સીતારાઓ બોલાવવા જેવો ભપકો વધી ગયો છે અને ટિકીટ ફી રૂ. 2000ને પાર થઈ ગઈ છે. દાંડીયારાસ ભક્તિ મટીને જ્યાં લાખો રૂ.ના ઈવેન્ટ બની ગયા છે તે કરપાત્ર છે. રમવાના સીઝન પાસ,દૈનિક પાસ, એન્ટ્રી ફી, માર્કેટીંગ એમ લાખો રૂ.નું ટર્નઓવર અર્વાચીન દાંડિયારાસમાં થાય છે જેના પર જી.એસ.ટી. પહેલેથી લાગે છે પરંતુ, હવે ચૂંટણીનજીક છે ત્યારે વિરોધ ઉઠયો છે. વધુમાં જી.એસ.ટી.સૂત્રો અનુસાર નવરાત્રિમાં માતાજીની ભક્તિ માટે હજારો ચોકમાં ગરબી મંડળો દ્વારા નાની બાળાઓના ગરબાના, સોસાયટીઓ કે ગ્નાતિ સંસ્થાઓ ખર્ચ પૂરતો ફંડફાળો કરી, નિ:શૂલ્ક પ્રવેશ રાખી રાસ ગરબાના આયોજનો કરે તે પણ કરમુક્ત છે. સૌરાષ્ટ્રમાં આશરે 5000 સ્થળે આવા આયોજનો થતા હોય છે. પરંતુ, સૌરાષ્ટ્રમાં 50થી વધુ સ્થળોએ ડિસ્કો કે આધુનિક દાંડીયારાસના મોટાપાયે ઈવેન્ટની જેમ આયોજન થાય છે તેને જી.એસ.ટી. આ વર્ષથી નહીં, પહેલેથી જ લાગુ પડે છે પરંતુ, ચૂંટણી નજીક હોવાથી અને નેતાઓને આવા ભીડવાળા દાંડીયારાસમાં શ્રોતાઓ અને પ્રચારની તક મળી જતી હોય તેઓ અચૂક ત્યાં જતા હોય અને તેમાંય હવે ચૂંટણી નજીક છે ત્યારે 18 ટકા જી.એસ.ટી.ના નિયમનો કડક અમલ નહીં થવાની શક્યતા જાણકારો જોઈ રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.