રવિપુરાના શખ્સ પાસે હથિયારનું લાઇસન્સ પણ નહોતું
- પેટલાદ પાસેથી દેશી તમંચા અને જીવતા કારતૂસ સાથે શખ્સ ઝડપાયો આણંદ : મહેળાવ પોલીસની ટીમ ગઈકાલ રાત્રિના સુમારે પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન પેટલાદ તાલુકાના રવિપુરા ગામે ચાવડા માતા નજીક રહેતો ધર્મેશ ઉર્ફે ભાથી મફતભાઈ સોલંકી પોતાની પાસે દેશી તમંચો રાખે છે અને આ ગેરકાયદેસર હથિયાર સાથે તે પોતાના ઘર વિસ્તારમાંથી નીકળી રવિપુરા ચોકડી નજીક આવનાર હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમ રવિપુરા ચોકડીથી મોરડ જવાના માર્ગ ઉપર આવેલ જલારામ નગરી નજીક ગુપ્ત વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમ્યાન બાતમીદારના વર્ણન મુજનબનો શખ્સ ત્યાં ચાલતા આવી ચડતા પોલીસે તેને શંકાને આધાર અટકાવ્યો હતો. પોલીસે તેના નામઠામ અંગે પૂછપરછ કરતા તે ધર્મેશ ઉર્ફે ભાથી મફતભાઈ સોલંકી (ઉં.વ.૨૨) રહે. રવિપુરા હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની અંગઝડતી લેતા કમરના ભાગેથી દેશી બનાવટની રીવોલ્વર મળી આવી હતી. સાથે સાથે પેન્ટના ખિસ્સામાં તપાસ કરતા છ નંગ જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા. પોલીસે ધર્મેશ ઉર્ફે ભાથી પાસે હથિયારના લાયસન્સની માંગણી કરતા તેની પાસે નહિં હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે દેશી બનાવટની રીવોલ્વર તથા જીવતા કારતૂસ મળી કુલ્લે રૂ.૫૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આ હથિયાર તે ક્યાંથી લાવ્યો તેમજ આ હથિયારનો કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં ઉપયોગ થયો છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરવા ઝડપાયેલ શખ્સના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.