62 પશુના મોત, લમ્પી વાયરસ વકરતા ચિંતાગ્રસ્ત પશુપાલકોમાં ભભૂકતો રોષ - At This Time

62 પશુના મોત, લમ્પી વાયરસ વકરતા ચિંતાગ્રસ્ત પશુપાલકોમાં ભભૂકતો રોષ


- પ્રભારી સચિવે સમિક્ષા બેઠક યોજી અસરગ્રસ્ત ગામોમાં 100 ટકા રસીકરણની તાકીદ કરીસુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં લમ્પી વાયરસનો વ્યાપ વકરી રહ્યો હોવાથી ચિંતામાં મુકાયેલા પશુપાલકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી  છે. તેના પગલે આવતી કાલે ગુરૂવારે જિલ્લા કલેકટર સહિતના તંત્રવાહકોને વિશાળ સંખ્યામાં હાજર રહી માલધારીઓ આવેદનપત્ર પાઠવવાનાં છે તો બીજી તરફ જિલ્લામાં ૬૨ પશુઓના મોત અને લમ્પી વાયરસના વધતા વ્યાપ વચ્ચે પ્રભારી સચિવ દોડી આવ્યા હતાં અને તાકિદની સમિક્ષા બેઠક યોજી અસરગ્રસ્ત ગામોમાં ૧૦૦ ટકા રસીકરણની તાકીદ કરી હતી.આ અંગેની વિગત એવી છે કે, લમ્પી વાયરસ સંદર્ભે પ્રભારી સચિવ રાકેશ શંકરના અધ્યક્ષસ્થાને લખતર તાલુકા પંચાયત ખાતે સમિક્ષા બેઠક યોજાઈ હતી. સચિવે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દરેક તાલુકામાં લમ્પી વાયરસની સ્થિતિને લઈને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતવાર જાણકારી પ્રાપ્ત કરી હતી અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. તેમણે જિલ્લાના લમ્પીથી અસરગ્રસ્ત ગામડાઓમાં રસીકરણની કામગીરી વેગવંતી કરીને  અસરગ્રસ્ત ગામોના પશુઓનું ઝડપથી ૧૦૦ ટકા રસીકરણ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. આ ઉપરાંત જ્યાં સૌથી વધુ કેસો જોવા મળે છે તેવા ગામડાઓની જિલ્લાના અધિકારીઓ દ્વારા મુલાકાત લઈને ગામડાઓમાં લમ્પી વાયરસ સંદર્ભે જાગૃતિ કેળવાય અને લોકો પશુઓને આઈસોલેશનમાં રાખવા બાબતના નિયમોનું પુરતું પાલન કરે તે દિશામાં કામગીરી કરવા સંબંધે અધિકારીઓને જણાવ્યું હતું.વધુમાં તેમણે લમ્પી વાયરસને લઈને પશુપાલકોમાં લોકજાગૃતિ આવે તે માટે ગ્રામ્ય સ્તર સુધી યોગ્ય સંકલન કરવા જણાવ્યુું હતું. તેમજ જો પશુઓમાં લમ્પી વાયરસના લક્ષ્ણો દેખાય તો તંત્ર દ્વારા ત્વરિત કામગીરી કરીને તેને આઈસોલેશન સેન્ટરમાં સ્થળાંતરિત કરવામાં આવે તે બાબતે તાકિદ કરી હતી. બેઠકમાં જિલ્લા કલેકટર કે.સી.સંપટે લમ્પી વાયરસ સંદર્ભે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિસ્તૃત વિગતો આપી હતી. તેમજ જિલ્લા પશુપાલન અધિકારી બી.ટી.કણજરીયાએ જિલ્લામાં લમ્પી સંદર્ભે ચાલી રહેલી રસીકરણ તેમજ સારવાર બાબતે જાણકારી આપી હતી. બેઠકમાં ડીડીઓ પી.એન.મકવાણા, નિવાસી અધિક કલેકટર વી.એન.સરવૈયા, લખતર મામલતદાર, લખતર તાલુકા વિકાસ અધિકારી સહિત પશુપાલન વિભાગનાં અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.