લકઝરી બસમાંથી દારૂ ઝડપાયા બાદ પુણા પોલીસના PSI એ રૂ.3 લાખનો તોડ કર્યો - At This Time

લકઝરી બસમાંથી દારૂ ઝડપાયા બાદ પુણા પોલીસના PSI એ રૂ.3 લાખનો તોડ કર્યો


- લકઝરી બસમાંથી દારૂ ઝડપાવાના પ્રકરણમાં જેને કેસ સાથે કોઈ નિસબત નહોતી તે સુરતના રાજસ્થાની ટ્રાન્સપોર્ટરને બોલાવી ધમકાવી ટ્રાવેલ્સ માલિકનું નામ દાખલ નહીં કરવા તેની પાસે રૂ.3 લાખ માંગ્યા હતા- ACB એ છટકું ગોઠવી PSI જયદીપસિંહ રાજપૂત અને સાગરીતને બાકી રૂ.1.30 લાખ સ્વીકારતા રંગેહાથ ઝડપ્યા સુરત, : સુરતની પુણા પોલીસે રાજસ્થાનથી આવેલી લકઝરી બસના ચોરખાનામાંથી રૂ.4.82 લાખનો દારૂ ઝડપી પાડયા બાદ પુણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ રાજપૂતે રૂ.3 લાખનો તોડ કર્યો હતો. રૂ.1.70 લાખ લીધા બાદ બાકી રૂ.1.30 લાખ લેતા પીએસઆઈ અને સાગરીતને એન્ટી કરપ્શન બ્યુરોએ છટકું ગોઠવીને ઝડપી લીધા હતા.એસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજસ્થાનના ઉદયપુરથી સુરત આવતી લકઝરી બસના છેલ્લા સોફા નીચે બનાવેલા ચોરખાનામાંથી પુણા પોલીસ અને એલસીબી ઝોન 2 ની ટીમે સોમવારે વહેલી સવારે પાર્સલની આડમાં લવાયેલા રૂ.4.82 લાખની મત્તાના વ્હીસ્કીના 4824 પાઉચ કબજે કરી બસના બે ડ્રાઈવરની અટકાયત કરી હતી. આ બનાવમાં પુણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન, તપાસકર્તા પુણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ જયદિપસિંહ હસમુખસિંહ રાજપુતે સુરતમાં ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા રાજસ્થાની વ્યકિતને બોલાવી તેને આ કેસ સાથે કોઈ નિસબત નહોતી છતાં પોલીસ સ્ટેશન બોલાવી દારુના કેસમાં તારું નામ આવે છે તેમ કહી ધમકાવ્યો હતો. પીએસઆઈ રાજપૂતે તેનાથી બચવા ટ્રાવેલ્સના માલિકનું નામ આપવા દબાણ કર્યું હતું.આથી ટ્રાન્સપોર્ટરે ટ્રાવેલ્સના માલિકનું નામ આપ્યું હતું. તે સમયે પીએસઆઈ રાજપૂતે ટ્રાવેલ્સના માલિકનું નામ દાખલ નહીં કરવું હોય તો ટ્રાન્સપોર્ટરને રૂ.5 લાખ આપવા કહેતા ટ્રાન્સપોર્ટરે ટ્રાવેલ્સના માલિક સાથે વાત કરી રૂ.3 લાખમાં પતાવટ કરી હતી. તે પૈકી રૂ.1.70 લાખ ટ્રાવેલ્સ માલિકે મોકલતા ટ્રાન્સપોર્ટરે પીએસઆઈ રાજપૂતના સાગરીત જીયાઉદ્દીન અબુલરહીમ સૈયદ ઉર્ફે જીવાભાઇને ગતરોજ જ આપી દીધા હતા. જોકે, બાકીના રૂ.1.30 લાખ આજે આપતા પહેલા ટ્રાન્સપોર્ટરે સુરત એસીબીમાં ફરિયાદ કરતા મદદનીશ નિયામક ( સુરત એકમ ) એન.પી.ગોહિલના માર્ગદર્શન હેઠળ તાપી એસીબીના મહિલા પીઆઈ એસ.એચ.ચૌધરી અને સ્ટાફે આજરોજ પોલીસ સ્ટેશનમાં છટકું ગોઠવી પીએસઆઈ જે.એચ.રાજપૂત અને તેમના સાગરીત જીયાઉદ્દીન અબુલરહીમ સૈયદ ઉર્ફે જીવાભાઇને બાકીના રૂ.1.30 લાખ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.કાર્યવાહી વેળા PSI બાથરૂમ જવાના બહાને ભાગ્યા, દોટ મુકીને પકડી લેવાયાપીએસઆઈ રાજપૂત પહેલા રોડ પર દોડયા ત્યાર બાદ પોતાની ઓળખ આપી કિન્નરની રીક્ષામાં બેસી ભાગ્યા હતા સુરત, : સુરત એસીબીએ પુણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાજપૂત અને તેમના સાગરીતને રૂ.1.30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા બાદ તેમને બેસાડી પંચની કાર્યવાહી શરૂ કરી હતી. તે સમયે પીએસઆઈ રાજપૂતે બાથરૂમ જવા માંગણી કરતા તેમને એસીબીના સ્ટાફ સાથે મોકલ્યા હતા. જોકે, ત્યાંથી પીએસઆઈ રાજપૂત ભાગ્યા હતા.આથી એસીબીના સ્ટાફે પણ તેમને પકડવા પાછળ દોટ મૂકી હતી. પોલીસ સ્ટેશનમાંથી કોઈક ભાગીને બહાર આવતા અને તેની પાછળ પોલીસ જેવા સ્ટાફે દોટ મૂકતા લોકો અચરજમાં મુકાયા હતા. આ તરફ પીએસઆઈ રાજપૂતે રોડ પર દોડતા દોડતા કિન્નરોની એક રીક્ષા અટકાવી હતી અને પોતાની ઓળખ આપી તેમાં બેસી ભાગ્યા હતા.જોકે, એસીબીના સ્ટાફે પણ અન્ય વાહનમાં તેમનો પીછો કરી 10 મિનિટની ધમાચકડી બાદ ઝડપી લીધા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.