વડોદરા ગેસ કંપનીને મહિને રૂ. સાડા ત્રણ કરોડની ખોટ: ગેસના ભાવમાં રૂ. 10 નો ભાવ વધારો ઝીંકાશે
વડોદરા,તા.2 ઓગષ્ટ 2022,મંગળવાર આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગેસના વધતા જતા ભાવ વધારાને કારણે વડોદરા ગેસ કંપની અન્ય કંપનીની સરખામણી માં ઓછા ભાવ રાખવાને કારણે મહિને રૂ.સાડા ત્રણ કરોડની ખોટ જઈ રહી છે ત્યારે હવે ના છુટકે વડોદરા ગેસ કંપની દ્વારા પ્રતિ ક્યુબિક મીટરનો રૂ.10 નો ભાવ વધારો કરવામાં આવશે તેમ જાણવા મળે છે.વડોદરા ગેસ કંપની દ્વારા ઘરગથ્થુ પાઇપલાઇન થી અપાતા ગેસના પુરવઠા ના ભાવમાં જાન્યુઆરીમાં પ્રતિ ક્યુબિક મીટરના રૂ. 27.50 નો ભાવ હતો તેમાં દર બે મહિને ભાવમાં ઉતરોતર વધારો થતા માર્ચ 2022 માં રૂ. 34.50 પ્રતિ ક્યુબિક મીટર નો ભાવ હતો તે મે મહિનામાં રૂ. 43.70 કરવામાં આવ્યો ત્યાર બાદ જુલાઈ મહિનામાં રૂ. 47.50 કરવામાં આવ્યો હતો.વડોદરા ગેસ કંપની સામે અન્ય ગુજરાત ગેસ કંપની નો ભાવ મે મહિનામાં રૂ. 55.25 પ્રતિક ક્યુબીક મીટરનો હતો જ્યારે અદાણીનો ભાવ રૂ.63.25 હતો.હાલમાં ફરી એકવાર આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગેસના વધતા જતા ભાવને કારણે ગુજરાત ગેસ અને અદાણી ગેસ કંપની ભાવ વધારાની વિચારણા કરી રહ્યું છે તેની સાથે સાથે હવે વડોદરા ગેસ કંપનીની દર મહિને રૂપિયા સાડા ત્રણ કરોડની ખોટ પુરવા માટે અત્યાર સુધીમાં જે ગેસનો ભાવ અન્ય કંપની કરતા ઓછો રાખવામાં આવ્યો હતો તે હવે અન્ય કંપનીની સરખામણીમાં કરી દેવામાં આવશે તેમ માનવામાં આવે છે અર્થાત વડોદરા ગેસ કંપનીનો હાલમાં રૂપિયા 47.15 પ્રતિ ક્યુબિક મીટરનો ભાવ છે તેમાં રૂ.10 નો અંદાજિત ભાવ વધારો ઝીકવામાં આવશે જેથી ઘરગથ્થુ પાઇપલાઇન થી અપાતા ગેસનો ભાવ પ્રતિક મીટર નો રૂ.57 સુધી પહોંચશે તેમ માનવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.