એમોસ કંપનીનું મિથેનોલ કેમિકલ રાખવાનું લાઈસંસ રદ , નશાબંધી અને આબકારી વિભાગે કરી કાર્યવાહી - At This Time

એમોસ કંપનીનું મિથેનોલ કેમિકલ રાખવાનું લાઈસંસ રદ , નશાબંધી અને આબકારી વિભાગે કરી કાર્યવાહી


અમદાવાદ,તા.02 ઓગષ્ટ 2022,મંગળવારનશાબંધી અને આબકારી વિભાગે એમોસ કંપનીના મિથેનોલના સંગ્રહ અને ખરીદ-વેચાણ અંગેના લાઈસંસ રદ કરી દીધા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. એમોસ કંપનીને ફિનાર કંપનીએ જોબવર્ક માટે ૮ હજાર લીટર મિથેનોલ મોકલ્યું જેમાંથી ૭૯૮૦ લીટર બોટલીંગ કરેલું તેમજ બેરલમાં ભરેલું મિથેનોલ મળ્યું હતું. આ ઉપરાંત બીજા ત્રણ પીપમાં પણ મિથેનોલ કેમિકલનો જથ્થો નશાબંધી વિભાગને મળ્યો હતો. ફિનાર કંપનીએ મોકલેલા ૮ હજાર લીટર કરતા વધુ મિથેનોલ તપાસમાં મળ્યું હતુંપોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ જયેશે એમોસ કંપનીમાંથી મિથેનોલ કેમિકલને અઢી લીટરની બોટલમાં ભરવાના જોબ વર્ક દરમિયાન ચાર માસના સમયમાં ૬૦૦ લીટર મિથેનોલની ચોરી કરી હતી. આ કેમિકલ વેચ્યું હતું. એમોસ કંપનીને જોબવર્કનું કામ આપનાર ફિનાર કંપનીના રજીસ્ટરમાં ૮૦૦૦ હજાર લીટરની એન્ટ્રી બોલતી હતી. નશાબંધી વિભાગે એમોસમાં તપાસ કરતા તેઓને બોટલીંગ કરેલું ૩૯૯૦ અને બેરલમાં ૩૯૯૦ લીટર મળીને કુલ ૭૯૮૦ લીટર મળ્યું હતું. આ ઉપરાંત એમોસ કંપનીમાં પડેલા ૬૪ જેટલા ખાલી પીપની વચ્ચે ત્રણ પીપ મિથેનોલ કેમિકલ ભરેલા ગોઠવ્યા હતા.૭૯૮૦ લીટર ઉપરાંત બીજા ત્રણ પીપ મિથેનોલ કેમિકલ ભરેલા મળતા ૮ હજાર લીટરથી વધુ મિથેનોલનો જથ્થો એમોસ કંપનીમાંથી નશાબંધી અધિકારીઓને મળ્યો હતો. જો જયેશે ૬૦૦ લીટર મિથેનોલની ચોરી કરી હોય તો એમોસમાં ૮ હજાર લીટરથી વધુ મિથેનોલનો જથ્થો કઈ રીતે આવ્યો તે મોટો સવાલ છે. સમગ્ર મામલે એમોસ કંપનીની ગંભીર બેદરકારી તપાસમાં બહાર આવતા નશાબંધી અને આબકારી વિભાગે શનિવારે કંપનીના મિથેનોલ કેમિકલ રાખવા અંગેના લાઈસંસો રદ કરી નાંખ્યા અને તે અંગેની નોટિસ રવિવારે કંપનીમાં ચોંટાડી દીધી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.