ખોખરાના રમત-ગમત સંકુલના ભોંયરામાં વરસાદી પાણી ભરાયા
અમદાવાદ,તા.01 ઓગષ્ટ 2022, સોમવારખોખરામાં આવેલા અમદાવાદ જિલ્લા રમત-ગમત સંકુલમાં ફિઝિકલ ગ્રાઉન્ડમાં, ભોંયરામાં વરસાદી પાણી ભરાયેલા હોવાથી ખેલાડીઓને વિવિધ રમતોની પ્રેક્ટિશ કરવામાં તકલીફ પડી રહી છે. દિવસોથી પાણી ભરાયેલા પડયા હોવાનું અને તેના નિકાલની કામગીરી મંથરગતિએ ચાલી રહી હોવાથી ખેલાડીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.રાજ્યના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ દ્વારા સંચાલિત અમદાવાદ જિલ્લા રમત ગમત સંકુલ ખોખરામાં ભોંયરામાં હજુ વરસાદી પાણી ભરાયેલા છે. આ સંકુલમાં અન્ય રાજ્યોમાંથી પણ ખેલાડીઓ વિવિધ ખેલ અંગેની તાલિમ લેવા આવે છે. જુડો, કરાટે, કુસ્તી સહિતની ઇન્દોર ગેમ રમવામાં હાલાકી પડી રહી છે. ભોંયરામાં પાણી ભરાયેલા હોવાથી મચ્છરોનો ઉપદ્રવ થાય છે. મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ છે. ખેલાડીઓના જણાવ્યા મુજબ આગામી સમયમાં નેશનલ ગેમ રમાનાર છે. તેમાં તેઓ ભાગ લેવા માટે તૈયારીઓ કરી રહ્યા છે.સંકુલમાં વરસાદી પાણી ભરાયેલા હોવાથી તાલીમ લેવામાં તકલીફ પડે છે. રહેવાની પણ પુરતી વ્યવસ્થા નથી. સફાઇ કરવામાં આવે, રહેવા લાયક જગ્યા કરવામાં આવે તેમજ તાલીમ આપનારા કોચ પુરતી સંખ્યામાં મળી રહે તેવી ખેલાડીઓની માંગણી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.