લઠ્ઠાકાંડના દર્દીને આંખ, કિડની, લિવરને નુકસાન થવાનું જોખમ
અમદાવાદ,સોમવારલઠ્ઠા કાંડને
એક સપ્તાહ પૂર્ણ થયું છે અને અનેક દર્દીઓને સાજા થતાં હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં
આવી રહી છે. જોકે, આવનારા દિવસોમાં લઠ્ઠાકાંડના આ દર્દીઓને દ્રષ્ટિમાં ઝાંખપ આવવી,
લિવરમાં સમસ્યા થવાની સમસ્યાનો સામનો કરવો પડે તેવી આશંકા છે. આ અંગે પ્રાપ્ત
માહિતી અનુસાર અસારવા સિવિલ હોસ્પિટલમાં લઠ્ઠાકાંડના કુલ ૫૦ દર્દીઓ દાખલ થયા હતા. આ
પૈકી ૪૫ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે જ્યારે ૧ દર્દીનું મૃત્યુ થયું છે. હાલમાં
કુલ ચાર દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી એક દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે ત્રણની હાલત
સ્થિર છે. તબીબોના મતે સંપૂર્ણ સ્વસ્થ થયાના
રીપોર્ટ મળ્યા બાદ જ તમામ દર્દીને રજા આપવામાં આવી છે. જોકે, ઝેરી દારૃથી આ દર્દીઓને
દ્રષ્ટિ ગુમાવવી કે લીવરમાં સમસ્યા થવાની આડઅસરનો સામનો કરવો પડી શકે છે કે કેમ તેનું
ચિત્ર આગામી એકાદ સપ્તાહમાં સ્પષ્ટ થશે.અમદાવાદમાં વર્ષ
૨૦૦૯માં થયેલા લઠ્ઠાકાંડમાં ૨૦૦થી વધુ લોકોએ આંખ ગુમાવી હતી. લઠ્ઠાકાંડમાં વ્યક્તિને
વધારે આડઅસરનો સામનો કરવો પડે કે કેમ તે બાબત તેણે આ ઝેરી દારૃ કેટલી માત્રામાં લીધો
છે તેના પર આધાર રાખે છે એમ જણાવતા તબીબોએ ઉમેર્યું કે મિથેનોલના વધારે પડતા ડોઝથી
શરીર પર બે કલાકમાં જ અસર થવા લાગે છે. જેમાં જીવ ગુમાવવાના જોખમથી માંડીને આંખ, કિડની,
લિવરને નુકસાન થવાનો પણ સમાવેશ થાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.