હવાલા, જાસૂસી, ડેટા ચોરી : એસટીએફે ત્રણ ચીની નાગરિકોની ધરપકડ કરી - At This Time

હવાલા, જાસૂસી, ડેટા ચોરી : એસટીએફે ત્રણ ચીની નાગરિકોની ધરપકડ કરી


નોઈડા, તા.૩૧નોઈડા એસટીએફે હવાલા કારોબાર સાથે સંકળાયેલા ત્રણ ચીની નાગરિકોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી તેમના ભારતીય નકલી આધારકાર્ડ પણ જપ્ત કર્યા છે. ત્રણે આરોપીઓ અગાઉ નેપાળ સરહદેથી પકડાયેલા ચીની નાગરિક અને તેના મિત્ર નટવરલાલના નજીકના સાથી છે. એસએસબી ટીમે જૂન મહિનામાં બિહારના સીતામઢી સ્થિત નેપાળ સરહદેથી ચીનના બે નાગરિકો લૂ લેંગ અને યૂં હેલંગની પાસપોર્ટ-વિઝા વિના ધરપકડ કરી હતી. આ બંને ચીની જાસૂસ હોવાની આશંકા હતી. તપાસમાં સામે આવ્યું કે તેઓ ચોરીથી ૨૪મી જૂને ભારતની સરહદમાં ઘૂસ્યા હતા. ત્યાર પછી ટેક્સીથી નોઈડા આવ્યા હતા. ત્યાર બાદ પોલીસે ચીની નાગરિક સુફાઈ અને તેના મિત્ર રવિ ઉર્ફે નટવરલાલ, રવિની વાગ્દત્તા ઈબીના સહિત અન્યોની ધરપકડ કરી હતી. બધા પર ભારતમાં જાસૂસી કરવાનો આરોપ છે. આ સિવાય તેઓ હવાલા મારફત ચીનમાં કરોડો રૃપિયા મોકલી રહ્યા હોવાનો પણ આરોપ છે.એસટીએફે આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય ત્રણ ચીની નાગરિકોની નોઈડાથી ધરપકડ કરી છે. તેમની ઓળખ ચેન જુનફેંગ, લીયુ પેંગફિઆઈ અને ઝાંગ ક્યૂશાઓ તરીકે થઈ છે. ત્રણેય નોઈડાના સેક્ટર-૯૩ના બી બ્લોકમાં રહેતા હતા.આ કેસમાં અત્યાર સુધીમાં ૧૦ ચીની નાગરિકો સહિત ૧૭ લોકોની ધરપકડ થઈ ચૂકી છે. નોઈડા અને ગ્રેનોમાં ગેરકાયદે રીતે રહેતા આ ચીની નાગરિકોના બધા ખેલનો ખુલાસો બિહારના સીતામઢીમાં ૧૧મી જૂને પકડાયેલા બે ચીની નાગરિકો લૂ લેંગ અને યૂ હેલેંગની ધરપકડ પછી મળેલા ઈનપુટ પછી થયો હતો. આ બંને પાસપોર્ટ અને વિઝા વિના ગેરકાયદે રીતે સરહદ ઓળંગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ૧૩મી જૂને નોઈડા પોલીસે ચીની નાગરિકો સુફાઈ અને પ્રેમિકા પેટેખ રેનુઆની ધરપકડ કરી હતી.પૂછપરછમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ ભારતીય નાગરિકોનો ડેટા ચીન મોકલ્યો છે. જોકે, હજી સુધી એ જાણવા નથી મળ્યું કે કયા ઉદ્દેશ્યથી આરોપીઓ ભારતીયોનો ડેટા ચીન મોકલી રહ્યા હતા. આ અંગે કેન્દ્ર અને રાજ્યની તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે. ચેન જુનફેંગ, લીયુ પેંગફિઆઈ અને ઝાંગ ક્યૂશાઓના સુફાઈના મિત્ર રવિ ઉર્ફ નટવરલાલ સાથે પણ સંબંધ હતા. આરોપીઓ છેલ્લા ઘણા સમયથી નટવરલાલના સંપર્કમાં હતા. પોલીસ આરોપીઓને તેમના અન્ય સાથીઓ અંગે પૂછપરછ કરી રહી છે. તેમની પાસેથી નકલી આધારકાર્ડ પણ જપ્ત કરાયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.