વડોદરા : કોર્પોરેશનના ત્રણે ઢોરવાડામાં 500 થી વધુ ઢોરોને લમ્પી વાઇરસ સામે રક્ષિત કરવા રસી અપાઈ
- ઢોર ડબ્બામાં રોજ જે ઢોર પકડાઈને આવે તેને પણ રસી અપાય છે વડોદરા,તા.1 ઓગષ્ટ 2022,સોમવાર ગુજરાતના 14 જિલ્લા ના પશુઓમાં લમ્પી રોગે કહેર મચાવ્યો છે ત્યારે આ રોગ કાબુ બહાર ન જાય તે માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનાના ત્રણ ઢોરવાડામાં છેલ્લા ચાર પાંચ દિવસથી પશુઓને રસી આપવાનું શરૂ કરાયું છે, અને અત્યાર સુધીમાં 500 થી વધુ પશુઓને રસી આપી દેવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જે રખડતા ઢોર પકડે છે, તે લાલબાગ, ખાસવાડી અને ખટંબા ઢોરવાડામાં રાખે છે. હાલમાં અહીં ૬૦૦ જેટલા ઢોર રાખવામાં આવેલા છે. જે પશુઓ બીમાર હોય તેને રસી અપાઇ નથી આ સિવાય રોજે રોજ જે પકડાઈને આવે તે સહિતને રસી આપવાનું હાલ ચાલુ જ છે. કોર્પોરેશનની ત્રણ ટીમ આ કામગીરી કરી રહી છે. થોડા દિવસ પહેલા ખાસવાડી ઢોરવાડા ખાતે શંકાસ્પદ વાઇરસના ત્રણ ઢોર માં લક્ષણ જોવા મળ્યા હતા, પરંતુ તાત્કાલિક સારવાર કરી દેવાતા હાલ ત્રણેય ઢોર સુરક્ષિત છે. શહેરના ત્રણે ઢોર વાડા માં હાલ કોઈ ઢોરમાં લક્ષણ હજુ સુધી જણાયા નથી .આ રસી પાવડર સ્વરૂપે હોય છે, અને તેને ડાયલ્યૂટ કરીને સિરીંજ મારફતે ઢોરને આપવામાં આવે છે. રસીકરણ માટે સરકારમાંથી કોર્પોરેશને રસીનો જથ્થો પણ પ્રાપ્ત કરી લીધો હતો. ઢોરના માલિકોને પોતાના ઢોર સુરક્ષિત રાખવા તકેદારી માટે સાવધ કરી દેવાયા છે. ઢોર નબળું દેખાય અથવા તો તેને તાવ આવે કે બીજા કોઈ લક્ષણ દેખાય તો તાત્કાલિક 1962 નંબર પર ફોન કરવા અથવા તો ભૂતડી ઝાપા ખાતે આવેલા પશુ દવાખાને જાણ કરવા જણાવ્યું છે. લમ્પી નામનો આ ચામડીનો રોગ કેપ્રિપોક્સ વાયરસ પરિવારના લમ્પી સ્કિન વાયરસ દ્વારા પ્રાણીઓમાં થતો રોગ છે. તે વેકટર બોર્ન રોગ છે, અને મચ્છર, માખીઓ અને જીવડાં દ્વારા ફેલાય છે. આની અસર થતા પશુને સામાન્ય તાવ આવે છે. આખા શરીર પર ગાંઠો થાય છે, જેના નરમ ફોલ્લા પડી જાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.