એર ઇન્ડિયાની લંડન-અમદાવાદ ફ્લાઇટ પાંચ કલાક મોડી ઉપડી
વડોદરા : લંડન-અમદાવાદની આજે સવારે ૯.૪૫ (લંડન ટાઇમ અનુસાર) વાગ્યાની ફ્લાઇટ પાંચ કલાક મોડી પડતા મુસાફરો હેરાન થઇ ગયા હતા.ફ્લાઇટના નિયત ટાઇમ પ્રમાણે જ મુસાફરોનું બોર્ડિંગ કરી દેવાયુ હતુ અને તેના પાંચ કલાક બાદ ફ્લાઇટ ટેક ઓફ થઇ હતી. આ દરમિયાન પાંચ કલાક સુધી મુસાફરોને ગોંધી રખાયા હતા.વડોદરામાં રહેતા પ્રખર ગાંધીવાદી કનુભાઇ બ્રહ્મભટ્ટનું અવસાન થતા લંડન ખાતે રહેતા તેમના પુત્રી ભારતીબેન રાવે વડોદરા આવવા માટે લંડન હિથ્રો એરપોર્ટથી આજે સવારે ૯.૪૫ વાગ્યાની એર ઇન્ડિયાની અમદાવાદ આવતી ફ્લાઇટ એ.આઇ.૧૭૨માં બુકિંગ કરાવ્યુ હતું. ભારતીબેન કહે છે કે અમે ૯.૩૦ વાગ્યે તો ફ્લાઇટમાં બોર્ડિંગ કરી દીધુ હતુ અને ૯.૪૫ વાગ્યે ફ્લાઇટ ટુંક સમયમાં ટેક ઓફ કરશે એવુ એનાઉન્સ પણ થયુ જો કે અડધો કલાક સુધી ફ્લાઇટમાં કોઇ મુવમેન્ટ નહી થતાં મુસાફરોએ પુછપરછ શરૃ કરી તો કોઇ યોગ્ય જવાબ મળતો નહતો. થોડા સમયમાં ફ્લાઇટ ટેક ઓફ કરશે એવા જવાબો જ મળતા હતા.બે કલાક સુધી પણ ફ્લાઇટ ટેક ઓફ નહી કરતા મુસાફરો અકળાયા હતા તેમ છતા પણ કોઇ પણ પ્રકારનો જવાબ મળતો નહતો. અમને પાંચ કલાક સુધી ફ્લાઇટમાં બેસાડી રખાયા હતા. એક તરફ મારા પિતાના મૃત્યુના સમાચારથી હું દુઃખી હતી મારે જલ્દીથી વડોદરા પહોંચીને મારા પિતાને જોવા હતા બીજા તરફ ફ્લાઇટ સતત લેટ થતી હતી. આખરે સવારે ૯.૪૫ વાગ્યાની ફ્લાઇટ હિથ્રો એરપોર્ટ પરથી ૩ વાગ્યે ઉડી હતી. અમદાવાદ ખાતે ભારતીય સમય પ્રમાણે રાત્રે ૧૦.૩૦ વાગ્યે પહોંચવાનુ છે પરંતુ હવે મોડી રાત્રે ૩.૩૦ વાગ્યે અમે પહોંચીશુ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.