જાણો, 400થી વધુ મિગ-21 વિમાનો થયા છે ક્રશ, ઉડતા તાબૂતે 200 પાયલોટનો લીધો છે ભોગ
નવી દિલ્હી,29 જુલાઇ,2022,શુક્રવાર રાજસ્થાનના બાડમેરના ભીમડા ગામ પાસે મિગ-21 વિમાન તૂટી પડતા ફરી ચર્ચા જાગી છે. ટેકનિકલ ખામીથી સર્જાયેલી દુર્ઘટનામાં બે પાયલોટ પણ ગુમાવ્યા પડયા. સોવિયત સંઘ (રશિયન) બનાવટના મિગ-21 વિમાનની દુર્ઘટનાઓમાં સેંકડો ચુનંદા પાયલોટસ ગુમાવવા પડયા છે. એક માહિતી મુજબ ભારતમાં 1971 થી અત્યાર સુધી 400 થી વધુ વિમાનો ક્રશ થયા છે જેમાં 200થી વધુ પાયલોટ શહિદ થયા છે આથી જ તો મિગ-21ને ઉડતું તાબૂત કે કોફિન કહેવામાં આવે છે. ભારતમાં જયારે મિગ -21 ક્રશની ઘટના બને ત્યારે વિવાદ ઉઠતો રહે છે. 2012માં તત્કાલિન રક્ષામંત્રી એ. કે એન્ટોનીએ માહિતી આપી હતી કે ભારત પાસે 872 મિગ વિમાનો છે તેમાંથી અડધા ક્રશ થયા છે.1964માં આ સુપર સોનિક ફાઇટર જેટ ઇન્ડિયન એરફોર્સનો હિસ્સો બન્યા હતા રશિયા જયારે સોવિયત સંઘ હતું અને દુનિયા રાજકિય વિચારધારાની દ્વષ્ટીએ અમેરિકાના મૂડીવાદ અને સોવિયતસંઘના સામ્યવાદમાં વહેંચાયેલી હતી. અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચેના કોલ્ડવોરમાંથી જ સંશોધનોની હરિફાઇ જન્મી હતી. એ સમયે 1959માં સોવિયત સંઘે દુનિયાનું પ્રથમ સુપર સોનિક ફાઇટર પ્લેન મિગ-21 બનાવ્યું હતું. ભારતે આ સુપર સોનિક ફાઇટર જેટ વિમાનો સોવિયત સંઘ પાસેથી ખરીદતા 1964માં ઇન્ડિયન એરફોર્સનો હિસ્સો બન્યા હતા.સામાન્ય રીતે પણ ફાઇટર પ્લેન તેના નિર્માણ પછી 25 થી 30 વર્ષ સેવા આપતા હોય છે એ પછી તેને નિવૃત કરવા પડે છે. એ રીતે મિગ -21 ફાઇટર પ્લેનની વાત કરીએ તો 1990ના દાયકામાં નિવૃત કરી દેવાના હતા પરંતુ તેના સ્થાને અપગ્રેડ કરીને હજુ ઉપયોગમાં લેવામાં આવે છે.ભારત આ વિમાનને એસેમ્બલ કરવાનો અને નવી ટેકનિક વિકસાવવાનો અધિકાર ધરાવે છે. ભારતની એરફોર્સ પાસે હાલમાં મિગ-21 ની કુલ છ સ્કવોડ્રન છે એકમાં 18 વિમાનો હોય છે.1990માં નિવૃત થતા મિગ-21ને અપગ્રેડ કરવામાં આવ્યા છે એવું માનવામાં આવે છે કે 90ના દાયકામાં ભારત પાસે મિગ-21 વિમાનોનો મોટો જથ્થો હતો આથી જો અચાનક જ હટાવવામાં આવે તો એરફોર્સની તાકાત પર અસર પડે તેમ હતી. રાતો રાત આનાથી સારા ફાઇટર પ્લેન મળવા શકય ન હતા. ફ્રાંસ પાસેથી અધતન રાફેલ વિમાનો ખરીદવાનો સોદો થવાને વાર હતી અને થયા પછી પણ ખૂબ પેન્ડિંગ રહયો હતો. જો કે હવે આધુનિક રફાલ ફાઇટર પ્લેન આવી ગયા છે પરંતુ તેની સંખ્યા મિગ-21 જેટલી નથી. આથી આજે પણ મિગ-21ની ઉપયોગિતા રહે છે. 1999ના કારગિલ વોરમાં અપગ્રેડ મિગ-21 બાઇસન વિમાનોએ ખૂબ મહત્વની ભૂમિકા નિભાવી હતી. મિગ-21ની સ્પીડ 2229 કિમી પ્રતિ કલાકની છે, તેની રેંજ 644 કિમીની હતી જે સુધારીને 1000 કિમી કરાઇ છે. બાલાકોટ એર સ્ટાઇક પછી પાકિસ્તાને સરહદે છમકલું કરતા તેના ફાઇટર જેટ એફ-16ને ભારતના અપગ્રેડ મિગ-21 વિમાને ખદેડીને મ્હાત આપી હતી. જે મિગ-21 વિમાનના પાઇલોટ અભિનંદનના પરાક્રમને આભારી હતું. મિગ-21 વિમાનો ભારત જ નહી 60 થી વધુ દેશો પાસે પણ છે હાલમાં જ મિગ-21 ઉપયોગમાં લેવાય છે તે હિંદુસ્તાન એરોનોટિકસ દ્વારા અપગ્રેડ કરવામાં આવેલા છે. મિગ બાયસન 21 એ મિગ -21નું જ અપગ્રેડેશન છે. મિગ-21 અપગ્રેડ કરવામાં આવ્યા છતાં દુર્ઘટનાઓ રોકી શકાઇ નથી. રશિયન બનાવટના આ મિગ-21 વિમાનો ભારત જ નહી 60 થી વધુ દેશો પાસે છે. મિગ-21 વિમાનોએ દુનિયાના અનેક યુધ્ધોમાં ભાગ લઇને પરાક્રમ દાખવ્યા છે. મિગ -21 વિમાનોએ વિયેતનામ વોરમાં સપાટો બોલાવ્યો હતો. સોવિયત સંઘના અત્યંત તેજ ગતિવાળા આ વિમાનોથી અમેરિકા પણ ડરતું હતું. દુનિયામાં 11496 જેટલા વિમાનોનું ઉત્પાદન કરવામાં આવ્યું છે જે એવિએશનની દુનિયામાં રેકોર્ડ છે. સિંગલ એન્જીન હોવું એ મિગ-21ની મોટી મર્યાદા છે રશિયા મિગ-21 વિમાનોને 1985થી પોતાના સંરક્ષણમાંથી હટાવી ચુકયું છે પરંતુ ભારતનો સમાવેશ મિગ-21 ફાઇટર પ્લેનનો હજુ પણ ઉપયોગ કરતા દેશોમાં થાય છે. એક રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે મિગના કેટલાક મોડેલ્સમાં ટેકનિકલ ખામીઓ વધારે આવે છે. તેનું લેડિંગ ખૂબજ તેજ હોય છે. કોકપિટ વિંડો એવી હોય છે પાયલટને રન વે જલદીથી દેખાતો નથી. આ ઉપરાંત સિંગલ એન્જીન હોવું એ પણ એટલી જ મોટી મર્યાદા છે. એન્જીન જયારે વિમાન ઉડતું હોય ત્યારે ફેલ થઇ શકે છે. મિગ-21 ફાઇટર પ્લેનના ટિકાકારો પણ ઘણા છે. ભલે તેનું ગમે તેટલું અપગ્રેડેશન કરવામાં આવે તેમ છતાં તે મૂળ તો રશિયાનું જ રહે છે. .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.