ચેસ ઓલમ્પિયાડઃ જાહેરાતોમાં દ્રૌપદી મુર્મૂ, PM મોદીની તસવીરોને સ્થાન ન અપાતાં તમિલનાડુ સરકારને કોર્ટની ફટકાર
- 'રાજ્યના સત્તારૂઢ પક્ષે રાજકીય લાભ માટે આ કાર્યક્રમનો ઉપયોગ કર્યો'મદુરાઈ, તા. 29 જુલાઈ 2022, શુક્રવારગુરૂવારે ચેન્નાઈ ખાતે 44મા શતરંજ ઓલમ્પિયાડનું ભવ્ય ઉદ્ઘાટન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ઓલમ્પિયાડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે નવાઈની વાત એ છે કે, રાજ્યભરમાં લગાવાવમાં આવેલા હોર્ડિંગ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર જ ગાયબ હતી. રાજ્યમાં અનેક ઠેકાણે ચેસ ઓલમ્પિયાડના હોર્ડિંગ્સ લગાવાયા હતા પરંતુ તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સ્થાન નહોતું અપાયું. હોર્ડિંગ્સ પર માત્ર તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની તસવીર જ જોવા મળી હતી. મદ્રાસ હાઈકોર્ટે આ મામલે રાજ્ય સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે રાજ્ય સરકારને એવો સવાલ કર્યો હતો કે, શા માટે ઓલમ્પિયાડ સેશન માટેની જાહેરાતોમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિની તસવીરોને સ્થાન નથી અપાયું?મુખ્ય ન્યાયાધીશ એમ.એન. ભંડારી તથા ન્યાયમૂર્તિ એસ. અનંતીની પીઠે રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાનની તસવીરોને સ્થાન ન આપવા અંગેના રાજ્ય સરકારના તમામ કારણોને પણ ફગાવી દીધા હતા. 'તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરે છે'પીઠે જણાવ્યું કે, સાર્વજનિક કાર્યક્રમો મામલે રાષ્ટ્રીય હિત તથા હાઈકોર્ટના નિર્દેશોને ધ્યાનમાં રાખીને એ સુનિશ્ચિત થવું જોઈએ કે, રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન જેવા ગણમાન્ય વ્યક્તિ કોઈ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમના નિમંત્રણનો સ્વીકાર કરે કે નહીં પરંતુ જાહેરાતોમાં તેમની તસવીરોને સ્થાન મળવું જ જોઈએ. તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરે છે. જનહિતની અરજી કરનારા વ્યક્તિએ 28મી જુલાઈથી 10મી ઓગષ્ટ દરમિયાન મામલ્લાપુરમ ખાતે આયોજિત 44મી ચેસ ઓલમ્પિયાડની તમામ જાહેરાતોમાં માત્ર રાજ્યના મુખ્યમંત્રીની તસવીરોના ઉપયોગને ગેરકાયદેસર, સ્વચ્છંદી અને ટોચની અદાલતના નિર્દેશોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. આ અંગેની સુનાવણીમાં કોર્ટે રાજ્ય સરકારને જાહેરાતોમાં બંને ટોચના નેતાઓની તસવીરોને સ્થાન આપવાનો આદેશ આપ્યો હતો. અરજીકર્તાના કહેવા પ્રમાણે આ ટુર્નામેન્ટ મોટા પાયે પબ્લિક ટેક્સથી સ્પોન્સર કરવામાં આવી છે. તે દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે ગર્વ અપાવી શકે છે. ત્યારે રાજ્યના સત્તારૂઢ પક્ષે રાજકીય લાભ માટે આ કાર્યક્રમનો ઉપયોગ કર્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.