જામનગર રાજકોટ ધોરીમાર્ગ ફલ્લાની ડેન્જર ગોળાઇ પાસે આજે વધુ એક ગોજારા અકસ્માતમાં બે ના મોત
- મીઠાપુર થી હૈદરાબાદ જઈ રહેલો ટ્રક ડિવાઈડર જમ્પ કરીને ફલ્લા ના બસ સ્ટેન્ડ અંદર ઘૂસી જતાં ટ્રકની કેબીન નો ભૂકો બોલી ગયો- બસ સ્ટેન્ડ ધરાસાઈ થઈને કેબીન માથે પડતાં કાટમાળ હેઠળ ડ્રાઇવર સહિત બે વ્યક્તિના દબાઈ જવાથી અંતરિયાળ મૃત્યુ- ગ્રામજનો- પોલીસ સહિતની ટીમ દ્વારા ત્રણ કલાકની જહેમત પછી કાટમાળ હેઠળથી બંને મૃતદેહોને બહાર કઢાયા: વાહન વ્યવહાર પૂર્વવત બન્યોજામનગર તા.29 જુલાઈ 2022,શુક્રવારજામનગર રાજકોટ ધોરી માર્ગ પર ફલ્લાની ડેનજર ગોળાઈ વધુ એક વખત ગોજારી બની છે, અને મીઠાપુર થી હૈદરાબાદ તરફ જઈ રહેલો એક ટ્રક પુરપાટ વાગે આવીને ડિવાઈડર કુદાવી ફલ્લા બસ સ્ટેન્ડ ની અંદર ઘૂસી જતાં બસ સ્ટેન્ડ કાટમાળમાં ફેરવાયું હતું, જ્યારે તેના કાટમાળમાં દબાઈ જવાથી ટ્રકનો ડ્રાઇવર સહિત બે ના અંતરયાળ મૃત્યુ નીપજ્યા હતા. ગ્રામ્યજનો, પોલીસ સહિતની ટીમ દ્વારા ત્રણ કલાકની જહેમત પછી બંને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ચાર કલાક બાદ એક તરફનો વાહન વ્યવહાર પૂર્વવત બન્યો હતો.આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે મીઠાપુર થી માલસામાન ભરીને એક ટ્રક આજે વહેલી સવારે હૈદરાબાદ તરફ જઈ રહ્યો હતો, જે જીજે -૧૨ બી.ટી. ૯૩૩૦ નંબરનો ટ્રક-ટોરસ પરોઢીયે ચારેક વાગ્યાના અરસામાં રાજકોટ- ધોરીમાર્ગ ફલ્લાની ડેન્જર ગોલાઈ પાસે પહોંચતાં ડ્રાઇવરે ટ્રક પરનો કાબુ ગુમાવી દીધો હતો, અને ટ્રક ડિવાઇડર કુદાવી રોંગ સાઈડમાં આવેલા ફલ્લા ગામના બસ સ્ટેન્ડની અંદર ઘૂસી ગયો હતો.જે ધડાકાભેર સર્જાયેલા અકસ્માતમાં બસ સ્ટેન્ડનો કાટમાળ ટ્રકની કેબીન ઉપર પડ્યો હતો, અને સમગ્ર બસ સ્ટેન્ડ ભાંગીને ભૂકો થયું હતું. ઉપરાંત ટ્રકની કેબિનનો પણ કડૂસલો બોલી ગયો હતો. જે ગોઝારા અકસ્માતમાં ટ્રકના ડ્રાઇવર સહિત વ્યક્તિ કેબીનમાં બેઠેલા હતા, તે બે વ્યક્તિના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા હતા.આ અકસ્માતના બનાવની જાણ થવાથી પંચકોષી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ, જીઆરડીના જવાનો, એલ.એન્ડટી. ટીમ તેમજ સ્થાનિક ગ્રામજનો વગેરે એકત્ર થઈ ગયા હતા, અને ત્રણ કલાકની જહેમત પછી બસ સ્ટેન્ડના કાટમાળને દૂર કર્યા હતા, અને મશીનરીની મદદ લઈ અંદર ફસાયેલા બે મૃતદેહોને ભારે જહેમત પછી બહાર કાઢ્યા હતા, અને પોસ્ટ મોર્ટમ માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. અકસ્માતના કારણે જામનગર રાજકોટ ધોરીમાર્ગ નો એક તરફનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો, અને એક જ માર્ગેથી વાહન વ્યવહારને ચાલુ રાખવામાં આવ્યો હતો. ચાર કલાક પછી આખરે રોડની બંને તરફનો વાહન વ્યવહાર શરૂ કરાયો હતો.આ અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોશી એ. ડિવિઝનના પીએસઆઇ કે.વી. ઝાલા વહેલી સવારે જ તેમની ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને મશીનરી તેમજ ગ્રામજનોની મદદથી મૃતદેહોને બહાર કઢાવ્યા હતા. જેનું જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.પોલીસ તપાસ દરમિયાન ટ્રક માં મૃત્યુ પામેલા બંને મૃતકો ટ્રકના ડ્રાઇવર અને ક્લીનર હોવાનું અને તેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભીમરાણા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.જેમાં ટ્રકના ચાલકનું નામ દેવસિંગ ઉર્ફે જયદીપભાઇ વેરશીભાઈ માણેક (ઉંમર વર્ષ ૨૮) જયારે ટ્રકના ક્લીનરનું નામ સિધ્ધરાજભા ધનાભા ભાટિયા (ઉમર વર્ષ ૨૦) હોવાનું જાણવા મળ્યું છે. જે બંને મૃતકોના પરિવારજનોને જામનગર બોલાવી લીધા છે, અને મૃતદેહનું પોસ્ટમોટમ કરાવી તેનો કબજો સોંપી દેવાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.