વડોદરા ગેસ કંપની દ્વારા અનેક ગ્રાહકોને વિના વપરાશે મિનિમમ રૂ.1300 નું બિલ ફટકારતા વિવાદ
વડોદરા,તા.29 જુલાઈ 2022,શુક્રવારવડોદરા ગેસ કંપનીના અનેક ગ્રાહકોને 30 યુનિટ નું મિનિમમ 1300 નું બિલ ફટકાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. વડોદરા ગેસ કંપની દ્વારા કોઈપણ ગ્રાહક જેટલા ગેસના જથ્થાનો ઉપયોગ કરે કેટલાનું જ બિલ આપવાનો નિયમ છે તેમ છતાં અનેક ગ્રાહકોને મિનિમમ વપરાશનું બિલ ફટકાવવામાં આવતા ગ્રાહકો વિમાસણમાં મુકાઈ ગયા છે. વડોદરાકોર્પોરેશનના ગેસ વિભાગનું જ્યારથી ખાનગીકરણ થયું અને વડોદરા ગેસ લિમિટેડ કંપની રચવામાં આવી ત્યારથી તબક્કાવાર વિવિધ પ્રકારના ચાર્જ અને ગેસના ભાવમાં એકધારો વધારો થઈ રહ્યો છે. ચાલુ વર્ષે વડોદરા ગેસ લિમિટેડ કંપની દ્વારા બેથી ત્રણ વખત ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આ પાછળ કંપનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા ગેસના ભાવને કારણભૂત ગણી તેમજ પોતાના બચાવમાં અન્ય ગેસ કંપની કરતાં વડોદરા ગેસ કંપનીના ગેસના દર ઓછા હોવાના દાવા કર્યા હતા. પરંતુ હવે આડકતરી રીતે વડોદરા ગેસ લિમિટેડએ ગ્રાહક ઉપર અનેક જાતના નવા ચાર્જ વધારવા માંડ્યા છે. જે લોકોનું વર્ષોથી ઝીરો બિલ આવતું હતું તેમને પણ એવરેજ બિલ ગણી રૂ.1,000થી વધુ બિલ ફટકાવવામાં આવી રહ્યા છે. આવી જ એક ફરિયાદ 200, અમિતનગર સોસાયટી, વીઆઇપી રોડ ખાતે રહેતા જગદીશ પંડ્યા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને તેમણે જણાવ્યું છે કે, મારા ઘરમાં બે ગેસ મીટર છે. જેમાં એક ગેસ મીટર અમે ઘરના કામ માટે વાપરીએ છીએ જ્યારે અન્ય ગેસ લાઇન જે તે સમયે કોર્પોરેશન દ્વારા નાખવામાં આવી રહી હતી ત્યારે એવું જણાવવામાં આવ્યું હતું કે, હાલ તમે ગેસનું કનેક્શન લઈ લો, તેમાં કોઈ બિલ આવવાનું નથી, તમે વપરાશ કરશો તો જ તમને ગેસનું બિલ આવશે. જે બાદ ગેસ કંપનીના સત્તાવાળાઓ દ્વારા ટેસ્ટિંગ કરતા માત્ર 30 ગ્રામ ગેસનો વપરાશ થયો હતો અને છેલ્લા ચાર વર્ષથી જગદીશ પંડ્યાને ઝીરો બિલ આવી રહ્યું હતું. પરંતુ આ મહિનાથી તેમને ઝીરો બિલવાળા મીટરમાં પણ 30 કિલોનો વપરાશ નોંધી રૂ.1363નું બિલ ફટકારવામાં આવ્યું છે. આ મામલે તેમણે દાંડિયા બજાર સ્થિત ગેસ ઓફિસનો સંપર્ક કરતા તેના જવાબદાર અધિકારીઓએ જણાવ્યું હતું કે, હવેથી એવરેજ ગેસના વપરાશનું બિલ ગણી અમે એ પ્રમાણેના બિલ ચાલુ મહિનાથી આપવાના શરૂ કર્યા છે અને જે લોકોનો વપરાશ ન હોય તો તેમણે પોતાના ગેસને કસ્ટડીમાં મુકાવી દેવા જોઈએ. એટલું જ નહીં, ગેસનું કનેક્શન કસ્ટડીમાં મૂકવામાં દરેક મહિનાના અલગ ચાર્જ પણ નક્કી કરવામાં આવ્યા છે અને જો ગેસ કનેક્શન બંધ કરવું હોય તો રૂ.354 (જીએસટી સાથે) ભરવા તેમને જણાવવામાં આવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો છે કે, આમ વડોદરા ગેસ લિમિટેડ કંપની કોઈપણ રીતે એકવાર મીટર આપ્યા પછી કઈ રીતે નાણા વસૂલવા? કેવી રીતે તેની નવી નવી યોજનાઓ શરૂ કરી દીધી છે અને તેના કારણે સામાન્ય નાગરિકોને, મોંઘવારીના આ સમયમાં, ભારે હાલાકી વેઠવી પડશે. તેમણે એમ પણ જણાવ્યું કે, મારા વડોદરામાં જ બે ઘર છે ઘણી વખત અમે અમિત નગર રહીએ છીએ અને કેટલીક વાર ભાયલી ખાતે આવેલ ફ્લેટમાં રહેવા જતા હોઈએ છીએ. તો હવે અમારે જરૂર ના હોય તેવા ગેસ મીટરને કસ્ટડીમાં મૂકવા માટે ખર્ચ ચૂકવવો પડશે. એટલું જ નહીં, શહેરમાં હાલ હજારો એવા નાગરિકો હશે જે સમયાંતરે વિદેશ જતા હશે. તો આ તમામે ગેસ કનેક્શન કસ્ટડીમાં મૂકવા માટે એક ચોક્કસ રકમના બદલે અલગ અલગ મહિના પ્રમાણે નાણાં ચૂકવવાથી પડવાના હોવાથી નાગરિકો પર બિનજરૂરી ખર્ચનું ભારણ વધી જશે. મહત્વની વાત તો એ છે કે, જગદીશ પંડયાના બે ગેસ મીટર છે. જેમાં એક ગેસ મીટરમાં 29 kg ગેસ વપરાશ થયો છે. જેનું રૂપિયા 1417 બિલ આવ્યું છે જ્યારે બીજામાં 300 ગ્રામ (ટેસ્ટિંગ વખતનું) ગેસ વપરાશ થયો છે. જેનું બિલ 30 કિલો ગણી રૂ.1363 ફટકારવામાં આવ્યું છે. આમ આ બંન્ને રકમમાં પણ કોઈ યોગ્યતા જળવાતી નથી. આ અંગે અધિકારીનું ધ્યાન દોરતા અધિકારીએ કર્મચારીની ભૂલ સ્વીકારવા સાથે બિલમાં સુધારો કરવાના બદલે તેનો ખોટો બચાવો કર્યો હતો અને હવેથી વપરાશ ન હોય તેવા પણ ગેસ કનેક્શનમાં એવરેજ બિલ ગણી ગ્રાહક પાસેથી નાણા વસૂલવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે આ અંગે વડોદરા ગેસ લિમિટેડના કોઈ અધિકારી સાથે વાત થઈ શકી ન હતી. વધુમાં જગદીશ પંડ્યાનું જણાવવાનું છે કે, આવી ઘટના અમારા પાડોશી સાથે પણ બની છે. મકાન નંબર 198માં રહેતા પાડોશીનું મકાન વર્ષોથી બંધ છે કારણ કે તેઓ બીજે રહેવા ગયા છે તેમ છતાં એમને પણ 30 યુનિટ વપરાશનું બિલ બજાવી દેવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.