વડોદરા યાકૂત પુરાથી પાણીગેટ સુધીના કબાડી માર્કેટના ગેરકાયદે દબાણો હટાવ્યા
વડોદરા,તા.29 જુલાઈ 2022,શુક્રવારવડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલી અજબડી મિલ અને તેની ફરતે સ્ક્રેપ સંચાલકો દ્વારા આડેધડ વાહનો પાર્ક કરવામાં આવતા હોય છે. લાંબા સમય સુધી વાહનોનો ખડકલો રહેતા ગંદકી સાથે ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે. સ્થાનિકોની ફરિયાદના પગલે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ આજે ત્રાટકી વાહનોના દબાણો દૂર કર્યા હતા. આ અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ એ જણાવ્યું હતું કે, કોર્પોરેશનને અનેક વખત આ વિસ્તારમાં ટ્રાફિક અને સ્વચ્છતા સંદર્ભેની ફરિયાદો મળી છે. જેના અનુસંધાને આજે પાણીગેટ દરવાજાથી ગૌરવ સોસાયટી, જહુરશા ટેકરો, રાજારાણી તળાવ ,અજબડી મીલ સહિતના વિસ્તારોમાં દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરી છે. જેમાં 25 થી વધુ વાહનો, શેડ અને કેબીનો બપોર સુધીમાં દૂર કરવામાં આવ્યા છે. ટ્રાફિક અને સ્વચ્છતા બાબતે લોકોએ તંત્રને સહયોગ નહીં આપવાની માનસિકતા દૂર કરી અનુશાસનમાં રહેવાની જરૂર છે. કોર્પોરેશનનો આવા કાર્યોમાં સમય બચે તો અન્ય સારા કાર્યમાં ધ્યાન આપી શકાય તેમ છે. જેથી આવી માનસિકતા માંથી બહાર નીકળી વિકાસને સાથ આપવાની જરૂર છે. અત્રે નોંધનીય છે કે, આ કબાડી માર્કેટમાં પોલીસે પણ વાહનોની માલિકી સંદર્ભે તપાસની સાથે ફાયર બ્રિગેડે પણ તસ્દી લેવાની જરૂર છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.