ઈન્ડિયન નેવીએ જેને શોધવા માટે 1 કરોડ રૂપિયા ખર્ચી નાંખ્યા તે યુવતી હતી બોયફ્રેન્ડની સાથે
- ભારતીય નેવી અને કોસ્ટ ગાર્ડ ફોર્સે યુવતીના દરિયામાં ડૂબવાની આશંકાએ 36 કલાક સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતુ વિશાખાપટ્ટનમ, તા. 29 જુલાઈ 2022, શુક્રવારઆંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતેથી 2 દિવસ પહેલા ગાયબ થયેલી પરિણિત યુવતી તેના બોયફ્રેન્ડ સાથે નેલ્લુરમાં ફરતી મળી આવી હતી. આ બાજુ ભારતીય નેવી અને કોસ્ટ ગાર્ડ ફોર્સે તેના દરિયામાં ડૂબવાની આશંકાએ 36 કલાક સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું અને શોધખોળમાં આશરે 1 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તેમણે ગાયબ યુવતીની તપાસમાં 1 હોલિકોપ્ટર અને 3 જહાજ તૈનાત કર્યા હતા. સોમવારના રોજ 23 વર્ષીય પરિણિતા સાઈ પ્રિયા વિશાખાપટ્ટનમ ખાતેના આર.કે બીચ ઉપર તેના પતિ શ્રીનિવાસન સાથે પોતાના લગ્નની વર્ષગાંઠ ઉજવવા ગઈ હતી. આ દરમિયાન કપલે પ્રથમ સિંહાચલમ મંદિરમાં દર્શન કર્યા અને ત્યાંથી દરિયાકિનારે આવ્યા હતા. ત્યારબાદ બન્નેએ પોતાના ફોનમાં ફોટો ક્લિક કર્યા હતા અને વીડિયો પણ રેકોર્ડ કર્યા હતા. આ દરમિયાન પતિના મોબાઈલ ઉપર કોઈનો કોલ આવતા તે વાતોમાં મશગૂલ થઈ ગયો હતો અને તેની પત્ની મોબાઈલમાં સેલ્ફી લેવા લાગી હતી. ત્યારબાદ પતિએ કોલ ઉપરની વાત પૂરી કર્યા બાદ પોતાની પત્નીને આસપાસ શોધી હતી. પતિએ તેની પત્ની ન દેખાતા કોલ પણ કર્યો હતો પરંતુ તેને સફળતા નહોતી મળી. ત્યારબાદ ચિંતિત પતિએ તેની પત્નીની તપાસ માટે સ્થાનિક થ્રી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોતાના પરિવાર સહિત સાસરીપક્ષને પણ માહિતી આપી હતી. પોલીસે આશંકા જણાવી હતી કે યુવતી દરિયાના મોજાઓની પકડમાં આવી ગઈ હશે. પોલીસે નેવી અને કોસ્ટ ગાર્ડની મદદ લીધી અને દરિયામાં તપાસ કરવા માટે માછીમારો અને ગોતાખોરોને ઉતાર્યા હતા. તેમ છતાં પણ ગાયબ યુવતીનો પત્તો લાગ્યો નહોતો.આ દરમિયાન યુવતીએ પોતાની માતાને એક મેસેજ કરીને પોતાના ઠેકાણાની જાણકારી આપીને જણાવ્યું હતું કે તે પોતાના પ્રેમી રવિ સાથે નેલ્લુર ભાગી ગઈ છે. તેણે પોતાના પરિવાર પાસે તેના પ્રેમી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવાની વિનંતી કરી હતી. ઈન્સ્પેક્ટર રામા રાવના જણાવ્યા પ્રમાણે સાઈ પ્રિયાએ જાતે જ પોતાના લોકેશનની જાણકારી આપીને કહ્યું હતું કે તે સુરક્ષિત છે. આ બાબતની ખરાઈ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 'ગાયબ યુવતીની તપાસ માટે બે દિવસથી વધુ સમય માટે સર્ચ ઓપરેશન ચાલ્યું હોવાથી તેનો અંદાજિત ખર્ચ આશરે 1 કરોડ રૂપિયા જેટલો થયો છે.'વિશાખાપટ્ટનમની રહેવાસી સાઈ પ્રિયાના લગ્ન વર્ષ 2020માં શ્રીકાકુલમ ખાતેના શ્રીનિવાસન સાથે થયા હતા. યુવતી હજુ અભ્યાસ કરી રહી છે અને તેના પતિ હૈદરાબાદની એક ફાર્મસી કંપનીમાં કર્મચારી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.