કેબલ બ્રીજના જાહેરનામાનો પહેલા દિવસે જ ભંગ, રોંગ સાઈડમાં વાહનો દોડ્યા
- પાલિકા અને પોલીસ ની બેદરકારીના કારણે અકસ્માતની ભીતિ : પીક અવર્સમાં એક તરફ વાહન દોડે છે તો પણ ટ્રાફિક સમસ્યા થાય છે સુરત,તા.29 જુલાઈ 2022,શુક્રવારસુરતના અડાજણ અઠવાલાઇન્સ ને જોડતો કેબલ બ્રિજ નું મેન્ટેનન્સની કામગીરી થતા એક તરફનો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજ પર સવારે વાહન વ્યવહાર બંધ રહ્યા બાદ બપોર પછી લોકોએ રોંગ સાઈડ વાહન દોડવાનું શરૂ કરી દીધું હતું જેના કારણે અકસ્માતની શક્યતા વધી ગઈ છે. પાલિકા અને પોલીસ ની બેદરકારીના કારણે આ બ્રિજ પર હવે અકસ્માત થાય તેવી શક્યતા વધી રહી છે. સુરતના તાપી નદી પર બનેલા કેબલ સ્ટેજ બ્રિજમાં હાલ મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી રહી છે.આ અગત્યની કામગીરી હોવાથી અડાજણથી અઠવાલાઈન્સ જતાં બ્રિજ ના છેડા પરથી અવરજવર બંધ કરી દેવામા આવી છે. અકસ્માત ન થાય અને રીપેરીંગની કામગીરી માં કોઈ વિક્ષેપ ન પડે તે માટે એક તરફનો બ્રિજનો ભાગ બંધ કરી દેવાયો છે. આ બ્રિજ બંધ કરાયા બાદ આજે દિવસ દરમિયાન અડાજણથી અઠવાલાઈન્સ તરફ જતા વાહન ચાલકોએ રોંગ સાઈડ વાહન દોડાવીને અઠવાલાઈન્સ પહોંચ્યા હતા. અઠવાલાઈન્સ જવા માટે પાલ ઉમરા બ્રિજ અથવા સરદાર બ્રિજનો ઉપયોગ કરવા માટે પાલિકાએ અપીલ કરી છે પરંતુ બપોરના સમયે કોઈ પોલીસ કર્મચારી ન હોવાથી વાહન ચાલકો બેફામ રોંગ સાઈડ દોડવા લાગ્યા હતા. અઠવાલાઈન્સ થી અડાજણ તરફ કેબલ બ્રિજ થી આવતા વાહન ચાલકો ત્યારે ચોંકી ગયાં જ્યારે સંખ્યાબંધ વાહન ચાલકો રોંગ સાઈડમાં દોડતા જોવા મળ્યા હતા. જો પાલિકા અને પોલીસ રોંગ સાઈડ જતાં વાહન ચાલકોને અટકાવે નહીં તો મોટો અકસ્માત થાય તેવી શક્યતા નકારી શકાતી નથી. આ ઉપરાંત પીક અવર્સમાં એક તરફનો જ બ્રિજ ચાલું હોય ત્યારે પણ ટ્રાફિક જામ થઈ જાય છે. આવામાં જો એક જ છેડેથી અવર જવર બન્ને શરુ કરી દેવામાં આવે તો ટ્રાફિકની ભારે સમસ્યા થઈ શકે તેમ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.