ડાંગ જિલ્લાના 25 ગામડામાં ટેલિમેડિસિન કાર્યક્રમ શરૂ - At This Time

ડાંગ જિલ્લાના 25 ગામડામાં ટેલિમેડિસિન કાર્યક્રમ શરૂ


ડાંગ, તા. 29 જુલાઈ 2022 શુક્રવારખૂબ જ અંતરિયાળ આદિવાસી ગામડામાં પણ ઘરઆંગણે તબીબી સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશ્યથી અમદાવાદ સ્થિત નોટ-ફૉર-પ્રોફિટ સંસ્થા ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન (કેઆરએસએફ)એ અત્યાધુનિક ટેલિમેડિસિન કાર્યક્રમ શરૂ કરવા માટે નવસારી જિલ્લાના ખારેલ ગામમાં આવેલી એનજીઓ ગ્રામ સેવા ટ્રસ્ટ (જીએસટી) સાથે સહયોગ સાધ્યો છે. ટેકનોલોજી પાર્ટનર તરીકે અમેરિકા-સ્થિત સોફ્ટવેર સર્વિસ પ્રોવાઇડર ઇવોલ્કોના સહયોગમાં ગુરુવારે આ પ્રોગ્રામ લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને દક્ષિણ ગુજરાતમાં આવેલા ડાંગ જિલ્લાના લગભગ 25 ગામમાં અમલી બનાવવામાં આવશે.નવી અને પરિવર્તનકારી ટેકનોલોજીઓએ બ્લડ પ્રેશર મોનિટર, ઑક્સિમીટર અને ઇકોકાર્ડિયોગ્રામ વગેરે જેવા તબીબી ક્ષેત્રના ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું કદ ઘટાડવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે. વળી, આ ઉપકરણો યુઝર ફ્રેન્ડલી હોવાથી સામાન્ય વ્યક્તિ પણ તાપમાન, બ્લડ પ્રેશર, હૃદયના ધબકારાનો દર, ઑક્સિજનનું સ્તર, ગ્લુકોઝનું સ્તર વગેરે જેવા વાઇટલ્સને ખૂબ જ સુગમતા અને સરળતાથી ઘરે માપી શકે છે.છેલ્લાં એક દાયકાથી પણ વધારે સમયથી કેઆરએસએફ ગુજરાત રાજ્યના 400 ગામડાંમાં આવેલી લગભગ 460 શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવામાં નોંધપાત્ર પરિવર્તન લાવવાની દિશામાં અવિરત અને સફળતાપૂર્વક કામ કરી રહી છે.ટેલિમેડિસિન કાર્યક્રમ લૉન્ચ કરવા પાછળનો વિચાર નાના કદના બનાવવામાં આવેલા અને યુઝર ફ્રેન્ડલી તબીબી ઉપકરણો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (એઆઈ)થી સક્ષમ ટેકનોલોજી પ્લેટફૉર્મના સામર્થ્યનું સંયોજન કરવાનો છે, જેથી કરીને અંતરિયાળ વિસ્તારોમાં દર્દીના લક્ષણો પર આધાર રાખી સામાન્ય બીમારીઓનું સચોટ નિદાન કરી શકાય.આ ટેલિમેડિસિન પર આધારિત આરોગ્યની કાળજી લેનારી સેવાઓ આ પ્રદેશોમાં પહેલેથી અસ્તિત્વમાં રહેલા આરોગ્યના આંતરમાળખાંને સક્ષમતાપૂર્વક પૂરક બની રહેશે. ડૉક્ટરોની ઉત્પાદકતા સુધારશે તથા જરૂરિયાતમંદો માટે આરોગ્યની સારવારની ગુણવત્તા અને કાર્યક્ષમતા પણ સુધારશે.કેઆરએસએફ કાર્યકરો તેમજ પ્રોજેક્ટના સંકલનકર્તાઓ અને ડૉક્ટરોને નાણાકીય સહાય પૂરી પાડવાની સાથે પ્રત્યેક ગામમાં 25 આરોગ્ય કાર્યકરોને સમર્થન પૂરું પાડશે તથા આ કાર્યક્રમના સફળતાપૂર્વક અમલીકરણ માટે તેમને તબીબી સાધનો અને ઇવોલ્કો દ્વારા વિકસાવવામાં આવેલ એઆઈ-આધારિત સોફ્ટવેરોથી સજ્જ કરશે.કેઆરએસએફના અધ્યક્ષ ઉદય દેસાઇએ જણાવ્યું હતું કે, ‘જીએસટી આ 25 ગામડાંમાં દર મહિને લગભગ 3,000થી 4,000 દર્દીઓને સેવા પૂરી પાડે છે. આ ટેલિમેડિસિન પ્રોગ્રામનું અમલીકરણ શરૂ થયાં પછી અમને અપેક્ષા છે કે, આગામી કેટલાક મહિનાઓમાં જ આ આંકડો બમણો થઈ જશે. તેનાથી પણ વિશેષ મહત્ત્વનું એ છે કે, એઆઈ-ટેકનોલોજીને કારણે દર્દીઓની તબીબી પૂર્વવિગતો ઉપલબ્ધ થવાથી આરોગ્યની સારવારની ગુણવત્તા સમયાંતરે ઘણી સુધરશે. પ્રત્યેક દર્દી માટે સુધારાની ગુણવત્તાને ટ્રેક કરવાની તથા ઇવોલ્કોના સોફ્ટવેરના ઉપયોગ દ્વારા ઉત્પાદકતામાં થયેલી વૃદ્ધિ પર પણ નજર રાખવાની અમારી યોજના છે. આ પ્રોજેક્ટને પાછળથી ગુજરાતના અન્ય આદિવાસી વિસ્તારો અને ગ્રામ્ય પટ્ટાઓમાં વિસ્તારવામાં આવશે.’જીએસટી ડાંગ જિલ્લાના લોકોને સાર્વત્રિક આરોગ્ય સેવાઓ પૂરી પાડવાની દિશામાં સફળતાપૂર્વક કામ કરી રહ્યું છે. હાલમાં તે તેના ડૉક્ટરો અને મોબાઇલ વાનની મદદથી વઘઈ તાલુકાના ગામડાંમાં તેની આ સેવાઓ પૂરી પાડી રહ્યું છે. જીએસટીનું મિશન નિવારક ચિકિત્સા પર કેન્દ્રીત હોવા છતાં તેઓ ખારેલ ગામમાં ટ્રસ્ટની આર્થિક સહાયથી જ સંચાલિત થતી 100 બેડની હોસ્પિટલ મારફતે જરૂરિયાતમંદોને વિનામૂલ્યે તબીબી અને સર્જિકલ સેવાઓ પૂરી પાડી રહ્યાં છે.જીએસટીના ટ્રસ્ટી ડૉ. અશ્વિન શાહે જણાવ્યું હતું કે, ‘અમારું માનવું છે કે, ગ્રામ્ય વિસ્તારના હેલ્થકૅર સેક્ટરમાં ટેલિમેડિસિનની મદદથી દર્દીઓનું નિરીક્ષણ અને કન્સલ્ટિંગ શક્ય બનવાથી ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આરોગ્યસેવાઓ પૂરી પાડનારી સિસ્ટમની એકંદર ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે.’હાઇપરટેન્શન, ડાયાબિટીસ, એનીમિયા (પાંડુરોગ) અને કુપોષણ જેવી આરોગ્ય સંબંધિત લાંબાગાળાની સ્થિતિઓએ સાથે વધુ અસરકારકરીતે કામ પાર પાડવા માટે ઇવોલ્કોટેલિમેડિસિન સોફ્ટવેરની રીમોટ પેશન્ટ મોનિટરિંગ અને કૅરપ્લાન સિસ્ટમ દર્દીઓની લાંબાગાળા સુધી કાળજી લેવામાં ગેમચેન્જર સાબિત થશે.ઇવોલ્કો એ અમેરિકા-સ્થિત કંપની છે, જેણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (એઆઈ) અને ક્લાઉડ-આધારિત સોફ્ટવેર સેવા તૈયાર કરી છે. તેની મદદથી ડૉક્ટરો સારવારના રેકોર્ડ્સને જાળવી શકે છે તથા તે ડૉક્ટરો અને દર્દીઓ વચ્ચે કાયમી ધોરણે એક ફળદાયી વાર્તાલાપને શક્ય બનાવે છે અને સંકલન પણ સાધે છે.આ કંપની કેઆરએસએફના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટના સફળ અમલીકરણ માટે તેની માલિકીના ટેકનોલોજી પ્લેટફૉર્મ/એપ્લિકેશનો ‘ઇવોલ્કો ડૉ.’, ‘ઇવોલ્કો હેલ્થરડાર’ અને આ ટેકનોલોજીના અન્ય ઘટકોનું ઍક્સેસ પૂરું પાડવા માટે સંમત થઈ ગઈ છે. આ સોફ્ટવેરનો ઉપયોગ કરીને આ 25 ગામના આરોગ્ય કાર્યકરો તમામ દર્દીઓના ઇલેક્ટ્રોનિક મેડિકલ રેકોર્ડને કાયમી ધોરણે સાચવી રાખી શકશે. તેના પગલે આરોગ્યમાં લાંબાગાળાના સુધારા માટે નિવારણની વ્યૂહરચનાઓ અને હસ્તક્ષેપો ઘડતી વખતે આ ડેટા દર્દીની બીમારીને ઓળખવામાં અને તેની પેટર્નને શોધવામાં તથા તેની ત્વરિત સારવાર કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.