કોરોના-યુદ્ધના કારણે પરત ફરેલા MBBSના વિદ્યાર્થીઓને ભારતમાં સશરત FMGE પરીક્ષા આપવા મંજૂરી - At This Time

કોરોના-યુદ્ધના કારણે પરત ફરેલા MBBSના વિદ્યાર્થીઓને ભારતમાં સશરત FMGE પરીક્ષા આપવા મંજૂરી


નવી દિલ્હી, તા. 29 જુલાઈ 2022, શુક્રવારકોરોના સંક્રમણ અને યુક્રેન યુદ્ધના કારણે વિદેશથી પરત ફરેલા મેડિકલ વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય વિદ્યાર્થીઓ કે જેઓ તેમના અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ હતા તેઓ કોરોના મહામારી અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારત પરત ફર્યા હતા. તેમને ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન (FMGE)માં બેસવાની મંજૂરી આપવામાં આવશે. જોકે, આ માટે વિદ્યાર્થીનો અભ્યાસ પૂર્ણ હોવો જોઈએ. સાથે જ 30 જૂન પહેલાં અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત રહેશે. નેશનલ મેડિકલ કમિશન દ્વારા આ અંગે સત્તાવાર નોટિસ જાહેર કરવામાં આવી છે. નેશનલ મેડિકલ કમિશનની આ નોટિસ મુજબ, સુપ્રીમ કોર્ટ દ્વારા 29 એપ્રિલના રોજ આપવામાં આવેલા આદેશ મુજબ જણાવવામાં આવ્યું હતું કે, ભારતીય વિદ્યાર્થીઓ જેઓ તેમના અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સના અંતિમ વર્ષમાં હતા અને કોવિડ-19 અથવા રશિયા અને યુક્રેન યુદ્ધ કારણે વિદેશમાંથી તબીબી સંસ્થા છોડીને ભારત પાછા ફર્યા છે અને બાદમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેઓને ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન (FMGE) પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે.વિદ્યાર્થીઓએ 30 જૂન 2022ના રોજ અથવા તે પહેલા સંબંધિત સંસ્થા દ્વારા અભ્યાસક્રમ પૂર્ણ કરવાનું પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે. વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ કે જેઓ FMG પરીક્ષા પાસ કરે છે તેઓએ ફરજિયાત મેડિકલ ઈન્ટર્નશિપના બે વર્ષ પૂર્ણ કરવા પડશે. વિદેશી તબીબી સ્નાતકો બે વર્ષ માટે CRMI પૂર્ણ કર્યા બાદ જ નોંધણી કરી શકશે. NMC એફિડેવિટ જણાવે છે કે, ક્લિનિકલ તાલીમ માટે ઈન્ટર્નશિપનો સમયગાળો બમણો કરવામાં આવ્યો છે.ભારતમાં મેડિકલનું શિક્ષણ ખૂબ જ મુશ્કેલ છે. ડોકટર બનવા માંગતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી ભારત છે. વિદેશમાં મેડિકલ અભ્યાસ માટે જતા મોટાભાગના વિદ્યાર્થીઓમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ ભારતમાં મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે NEET પરીક્ષા પાસ કરી શક્યા નથી. NEET દર વર્ષે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવે છે.તમને જણાવી દઈએ કે, ભારતમાંથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરવા વિદેશ જાય છે. કારણ કે, વિદેશમાં MBBSનો અભ્યાસ કરવા માટે ઓછો ખર્ચ થાય છે. વિદેશમાંથી MBBS ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓએ ભારતમાં મેડિકલ પ્રેક્ટિસ કરવા માટે સૌપ્રથમ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન (FMGE) આપવી પડે છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.