વડોદરા : કોરોનાના વધતા કેસોની સાથે સાથે સ્વાઈન ફ્લૂના દર્દીઓની સંખ્યામાં પણ ઉતરોત્તર વધારો
વડોદરા,તા.28 જુલાઈ 2022,ગુરૂવારએક તરફ દૈનિક રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં સ્વાઈન ફ્લુ (H1N1) રોગે ચિંતા વધારી દીધી છે. આ રોગ વડોદરામાં એટલો ઝડપથી વધી ગયો છે કે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ સ્વાઈન ફ્લૂના કેસ વડોદરામાં નોંધાઈ ગયા છે. અત્યાર સુધી મળેલા આંકડા મુજબ, રોગે છેલ્લા ત્રણ વર્ષના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા સર્વેન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે. એટલું જ નહીં, વડોદરામાં સ્વાઈન ફ્લૂ અને H1N1 સંયુક્ત લક્ષણવાળા દર્દીઓ પણ નોંધાયા હોવાના અહેવાલ છે.સમગ્ર રાજ્યમાં એક તરફ કોરોના વાયરસના હાહાકાર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી H1N1ના કેસ વધી રહ્યા છે. હાલ બેવડી ઋતુ હોવાના કારણે તથા સ્વાઈન ફ્લૂ રોગના દર્દીઓની સંખ્યા અપડાઉન એટલે કે એક વર્ષે ઓછી તો બીજા વર્ષે વધતી હોય છે તે પ્રમાણે નોંધાતી હોય છે. રોગની સંખ્યા વડોદરામાં વર્ષ 2020માં 9, વર્ષ 2021માં 16 જ્યારે ચાલુ વર્ષ 2022માં અત્યાર સુધી (27 અઠવાડિયા)માં 71 નોંધાઈ ગઈ છે. નોંધાયેલા દર્દીઓ પૈકી સૌથી વધુ દર્દીઓ મે, જૂન અને જુલાઈ મહિનામાં નોંધાયા છે. સામાન્ય રીતે આ ત્રણ મહિનામાં H1N1ના દર્દીઓ અન્ય ઋતુ કરતા વધુ જોવા મળ્યા હતા ત્યારે કેસના વધતા ફેલાવવાના કારણે વડોદરામાં (H1N1)ના દર્દીઓ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ નોંધાયા છે જે એક ચિંતાજનક બાબત છે.છેલ્લા કેટલાક દિવસથી જે રીતે દર્દીઓનો ગ્રાફ ઉપર જઈ રહ્યો છે તે જોતા કોર્પોરેશનના આરોગ્ય વિભાગની સતર્કતાના આધારે અહીં સર્વેન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે આરોગ્ય અમલદાર ડો.દેવેશ પટેલ દ્વારા દરેક હોસ્પિટલ તથા તબીબોને માહિતગાર કરવા સાથે વાયરલ ન્યુમોનિયા જણાય અને કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવે તો H1N1ની તપાસ કરાવવાની તાકીદ કરાઈ છે. ભૂતકાળમાં H1N1ની મોર્ટલીટી/ મૃત્યુદર વધુ હતો તેમ જ છેલ્લા એક મહિનાથી સ્વાઈન ફ્લુના વધતા દર્દીઓના પગલે ખાસ કાળજી રાખવાની તકેદારી આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગના સૂત્રોએ એમ ઉમેર્યું હતું કે, વડોદરામાં H1N1 ચિંતાજનક સ્તરે છે. આ સાથે H1N1 અને સ્વાઈન ફ્લૂ બંને લક્ષણ ધરાવતા કેસ પણ સપાટી પર આવી રહ્યા છે. 60 વર્ષની મહિલા દર્દી સંયુક્ત બીમારી સાથે ઝપટમાં આવી છે. વૃદ્ધ મહિલામાં કોમોર્બીટ (જૂની) બીમારી હતી. એમની કન્ડિશન નાજુક હતી અને ફેફસા ખરાબ થઈ ગયા હતા. દર્દીમાં કોરોના અને H1N1 બંને પોઝિટિવ આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જેથી દર્દીની વિશેષ સંભાળ લેવાની તાકીદ કરવામાં આવી છે. હજુ તકેદારી વધારવી પડશે અન્યથા રોગનું ગંભીર ચિત્ર સપાટી પર આવે તો નવાઈ નહીં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.