વડોદરા: કોર્પોરેશનના ઢોર પાર્ટીના કર્મચારીએ જ પોતાના ઘરે ઢોર વાડો ઊભો કર્યો: કોર્પોરેશન ગાયો ઢોર ડબ્બે લઈ ગયા
વડોદરા,તા.28 જુલાઈ 2022,ગુરૂવારવડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે ત્યારે ઢોર પાર્ટીના કર્મચારીએ પોતાના મકાનમાં ઢોરવાડો ઉભો કરી ઢોર બાંધી રાખતો હોવાની મળેલી ફરિયાદના આધારે તંત્રએ કર્મચારીના મકાનમાંથી પાંચ ઢોર પકડી તેને લાલબાગ ઢોર ડબ્બે જમા કરવાની કાર્યવાહી શરૂ કરી છે.શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે અને અકસ્માતના બનતા દૈનિક કેસના પગલે પાલિકાનું તંત્ર રસ્તે રખડતા ઢોર અંગે સખ્ત કાર્યવાહી કરી રહ્યું છે. આ મામલે મેયર કોઈપણ પ્રકારની બંધછોડ કરવાના મૂડમાં નથી. ત્યારે કોર્પોરેશનના ઢોર પાર્ટીના એક કોન્ટ્રાક્ટનો કર્મચારી પોતાના મકાનના આંગણામાં ગાયો મૂકી રાખે છે અને રહેણાક વિસ્તારમાં આ પ્રકારની કામગીરી ખોટી છે તેવી રજૂઆત અનેક લોકોએ મેયર સમક્ષ કરી હતી. જેથી મેયરે તંત્રના અધિકારીઓને આ મામલે તાત્કાલિક તપાસ કરી કાર્યવાહીના આદેશ આપ્યા હતા. ઢોર ડબ્બાની પાર્ટીએ આજે સવારે કાળુપુરા વોર્ડ ઓફિસ સામે રહેતા પાલિકાના ઢોર પાર્ટીના કોન્ટ્રાક્ટના કર્મચારીના ઘરે તપાસ કરી હતી જ્યાં પાંચ ઢોર મળી આવ્યા હતા. કોઈપણ વ્યક્તિ રહેણાંક વિસ્તારમાં ગાયો મૂકી શકે નહીં તેમ જણાવી મળેલી આ ગાયોને લાલબાગ ઢોર ડબ્બા ખાતે જમા લેવાની કામગીરી કરાઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.