ઇડીના ધરપકડ, જપ્તીના અધિકારો પર ‘સુપ્રીમ’ મોહર
- સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી ઇડી, મની લોન્ડરિંગ કાયદા સામેની 240 અરજીઓનું સૂરસુરિયું- ઇડી દ્વારા કરાતી ધરપકડોમાં મનમાની જેવું કંઇ જ નથી, મની લોન્ડરિંગમાં જામીનની શરતોમાં પણ કંઇ જ ખોટું નથી : સુપ્રીમ- પી ચિદંબરમ, કાર્તિ ચિદંબરમ, સોનિયા, રાહુલ સહિતના ઇડીની તપાસ હેઠળના વિપક્ષના અનેક નેતાઓની મુશ્કેલી વધી શકે છેનવી દિલ્હી : કેન્દ્રીય એજન્સી ઇડીને મની લોન્ડરિંગના અપરાધો સામે કાર્યવાહી માટે આપવામાં આવેલા અધિકારોને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા હતા. જોકે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઇડીને ધરપકડ અને સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર છે અને સાથે જ મની લોન્ડરિંગ કાયદામાં સુધારો કરવામાં આવ્યો તેને રદ કરવાની માગણી પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે વર્તમાન મની લોન્ડરિંગ કાયદામાં કરાયેલા સુધારાઓમાં કોઇ જ ખામીઓ નથી. તેથી સુપ્રીમ કોર્ટે અરજદારોની બધી જ માગો ફગાવી દીધી હતી અને ઇડીને અપાયેલી બધી જ શક્તિઓને યોગ્ય ઠેરવી હતી. સુપ્રીમ કોર્ટમાં મની લોન્ડરિંગ કાયદાના સુધારા અને ઇડીને આપવામાં આવેલા અધિકારો કે શક્તિઓને પડકારતી ૨૪૦ જેટલી અરજીઓ થઇ હતી. આ અરજી કરનારાઓમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદંબરમના પુત્ર કાર્તિ ચિદંબરનો પણ સમાવેશ થાય છે કે જેઓની ઇડી દ્વારા અનેક વખત પૂછપરછ થઇ ચુકી છે. આ અરજીઓની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મની લોન્ડરિંગ કાયદામાં ૨૦૧૮માં જે સુધારા કરવામાં આવ્યા છે તે બરાબર છે. આ ઉપરાંત ઇડી દ્વારા આરોપીઓની પૂછપરછ, ધરપકડ કે તેઓની સંપત્તિ જપ્ત કરવાના જે અધિકારો છે તે યોગ્ય જ છે અને તેથી તેને પણ રદ ન જ કરી શકાય.ઇડીને અધિકારો ન આપીએ તો અપરાધ વધશેસુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એ.એમ. ખાનવિલ્કરની આગેવાનીમાં ગઠીત બેંચે કહ્યંુ હતું કે ઇડી દ્વારા થતી ધરપકડો મનમાની નથી. ગેરકાયદે સંપત્તિ એકઠી કરવી અને રૂપિયા ભેગા કરવા અયોગ્ય છે અને ઇડી દ્વારા આવી ગેરકાયદે સંપત્તિઓને લઇને થતી કાર્યવાહી યોગ્ય છે. જો આ અધિકારો ઇડી પાસેથી લઇ લેવામાં આવે તો લોકો ગેરકાયદે સંપત્તિઓ અને રૂપિયા એકઠા કરતા થઇ જશે. અને આવા અપરાધોમાં વધારો થશે. મની લોન્ડરિંગ સામેના કાયદામાં કરાયેલા સુધારા બરાબર છેમની લોન્ડરિંગ કાયદા હેઠળ કાર્યવાહી દરમિયાન બે શરતોના આધારે જામીન આપવામાં આવે છે જેમાં પ્રથમ છે દોષી ન હોવાના સમર્થનમાં પુરાવા આપવા અને એવો ભરસો આપવો પડે કે જામીન પર છૂટયા પછી આરોપી કોઇ અન્ય અપરાધ નહીં કરે. આ શરતી જામીનની જે જોગવાઇ કાયદામાં છે તેમાં પણ કઇ જ ખોટુ નથી. માટે કાયદામાં કરાયેલા સુધારા યોગ્ય જ છે તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું. કેન્દ્ર સરકારે પણ કોર્ટમાં કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત જે કરારોનો હિસ્સો છે તે અંતર્ગત કાર્યવાહી જરુરી છે કેમ કે તેના થકી જ મની લોન્ડરિંગના અપરાધને પહોંચી વળાશે. અન્ય એજન્સીઓએ બંધ કરેલા કેસોની પણ ઇડી ફરી તપાસ કરી શકેઅરજદારોની એક માગણી પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો ઇડી દ્વારા કોઇ ફરિયાદ દાખલ કરવામાં આવી હોય તો તેની કોપી આરોપીને આપવી જરુરી નથી. ઇડીએ માત્ર ધરપકડનું યોગ્ય કારણ જ આરોપીને આપવાનું રહે છે. આ ઉપરાંત સીબીઆઇ કે અન્ય કોઇ એજન્સી કેસ બંધ કરી દે તો તેવા કેસોની તપાસ પણ ઇડી કરી શકે છે. અરજદારો વતી અપીલ કરાઇ હતી કે ઇડી દ્વારા પડાતા દરોડા, ધરપકડ, સંપત્તિને જપ્ત કરવાના જે અધિકારો અને મની લોન્ડરિંગ કેસમાં જામીન પર છોડવાની શરતો છે તે અંગે વિચારણા કરવામાં આવે. જોકે આમાથી કોઇ જ માગણી સુપ્રીમે કોર્ટે નથી સ્વિકારી. હાલ ઇડી દ્વારા પી ચિદંબરમ, તેમના પુત્ર કાર્તિ ચિદંબરમ, સોનિયા, રાહુલ ગાંધી, શિવસેનાના સંજય રાઉત, નેશનલ કોન્ફરંસના ફારુક અબ્દુલ્લા, દિલ્હીના મંત્રી સત્યેંદ્ર જૈન સહિતના અનેક નેતાઓની સામે કાર્યવાહી ચાલી રહી છે. સુપ્રીમના આ ચુકાદા બાદ આ નેતાઓની મુશ્કેલી વધી શકે છે. ઇડીને સીઆરપીસીની મર્યાદા બહારના અધિકારો : અરજદારોસુપ્રીમ કોર્ટમાં જે પણ અરજીઓ થઇ હતી તેમાં એવી દલીલ કરવામાં આવી હતી કે તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઇડીને મની લોન્ડરિંગ કેસોમાં ધરપકડ, સંપત્તિની જપ્તી વગેરે જે અધિકારો આપવામાં આવ્યા છે તે સીઆરપીસીની મર્યાદા બહારના છે. સાથે જ એવો પણ દાવો કરાયો હતો કે મની લોન્ડરિંગ કાયદામાં જે સુધારા સરકાર દ્વારા કરાયા છે તે ગેરબંધારણીય છે. જોકે સુપ્રીમ કોર્ટે આ દલિલોને ફગાવી દીધી હતી અને ઇડીને મળેલા બધા જ અધિકારોને બહાલ રાખ્યા છે. મની લોન્ડરિંગ એટલે કાળા નાણાંને ધોળા કરવાની તરકીબસરળ શબ્દોમાં મની લોન્ડરિંગનો મતલબ નાણાકીય હેરાફેરી થાય છે. ગેરકાયદે કમાવવામાં આવેલી કાળી કમાણીને વ્હાઇટ મનીમાં ફેરવવા માટેની તરકીબોને પણ મની લોન્ડરિંગ તરીકે ઓળખવામાં આવે છે. વધુ સરળ શબ્દોમાં કહીએ તો મની લોન્ડરિંગ એ ગેરકાયદે કરાયેલી કમાણીને છુપાવવા માટેની તરકીબ છે. જે હેઠળ આવા કાળા નાણાનું એવી રીતે રોકાણ કરવામાં આવે છે કે એજન્સીઓને પૈસાના સ્ત્રોતની જાણકારી ન મળી રહે. આ અપરાધોને અને છટકબારીઓને અટકાવવા માટે પ્રિવેંશન ઓફ મની લોન્ડરિંગ કાયદો ૨૦૦૫માં કોંગ્રેસની સરકાર દ્વારા ઘડવામાં આવ્યો હતો. જેમાં અત્યાર સુધીમાં ઘણા સુધારા કરાયા છે. આ સુધારાઓને જ સુપ્રીમમાં પડકારવામાં આવ્યા હતા. સુપ્રીમના ચુકાદા બાદ ઇડીનો દુરુપયોગ વધશે : કોંગ્રેસસુપ્રીમ કોર્ટે ઇડીને મની લોન્ડરિંગના અપરાધો સામે કાર્યવાહી કરવા માટે જે અધિકારો આપવામાં આવ્યા તેને યોગ્ય ઠેરવતો ચુકાદો આપ્યો હતો. જોકે આ ચુકાદાથી ભાજપમાં ખુશી જોવા મળી રહી છે પણ કોંગ્રેસ નિરાશ છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ કેન્દ્ર સરકાર દ્વારા ઇડીના થઇ રહેલા દુરુપયોગનું પ્રમાણ વધશે. નોંધનીય છે કે હાલ ઇડી દ્વારા વિપક્ષના અનેક નેતાઓની સામે કાર્યવાહી ચાલી રહી છે. એવામાં વિપક્ષને ભય છે કે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની અસર ઇડીની કાર્યવાહી પર જોવા મળી શકે છે અને કેન્દ્ર સરકાર દ્વારા ઇડીનો વધુ દુરુપયોગ કરવામાં આવી શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.