લમ્પી' થી અબોલ પશુઓને બચાવવા બનાસ ડેરીની યુધ્ધના ધોરણે કામગીરી હાથધરી. - At This Time

લમ્પી’ થી અબોલ પશુઓને બચાવવા બનાસ ડેરીની યુધ્ધના ધોરણે કામગીરી હાથધરી.


લમ્પી' થી અબોલ પશુઓને બચાવવા બનાસ ડેરીની યુધ્ધના ધોરણે કામગીરી હાથધરી..લમ્પી વાયરસ સામે લડવા બનાસ ડેરીના 257 ડૉકટરો રાત દિવસ કામ કરી એક જ દિવસમાં 2100 પશુઓને કર્યું રસીકરણ

 
બનાસકાંઠા જિલ્લાના પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાતા બનાસ ડેરીએ અબોલ પશુઓને બચાવવા માટેની કામગીરી હાથધરી છે. બનાસ ડેરીના વેટેનરી વિભાગના ડોક્ટરો રાઉન્ડ ધ ક્લોક 24 કલાક ફરજ બજાવી અબોલ પશુઓને લમ્પી વાયરસના કહેરથી બચાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વેટેનરી વિભાગના ડોક્ટરની ટીમ ગામેગામ ફરી લમ્પી વાયરસના અસરગ્રસ્ત પશુઓને તાત્કાલિક ધોરણે રસીકરણ કરી તેમને રોગમુક્ત કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે.

રાજ્યમાં સૌથી વધુ પશુઓ બનાસકાંઠા જિલ્લામાં છે. જેના કારણે એશિયાની સૌથી મોટી બનાસ ડેરી બનાસકાંઠાની વૈશ્વિક ઓળખ બની છે. અબોલ પશુઓમાં જ્યારે લંપી વાયરસનો કહેર દેખાઈ રહ્યો છે ત્યારે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસ ડેરી લમ્પી રોગથી અબોલ પશુઓને મુક્તિ મળે તે માટે કામ કરી રહી છે. બનાસ ડેરીના વેટેનરી વિભાગની ડોક્ટરની અલગ અલગ ટીમ જિલ્લાના ગામે ગામ પ્રવાસ કરી રહી છે. જે પણ પશુઓમાં લમ્પી વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાય છે તેના વેકસીન તેમજ સારવાર કરી રહી છે.

બનાસ ડેરીના વેટેનરી વિભાગના 257 ડોક્ટરો જિલ્લાના પશુઓને લમ્પી વાયરસથી બચાવવા કામ કરી રહ્યા છે. માત્ર એક જ દિવસમાં જિલ્લાના અબોલ પશુઓને 2100 જેટલા લમ્પી વેક્સિનના ડોઝ બનાસ ડેરીના વેટેનરી વિભાગના ડોક્ટરોએ આપ્યા છે. લમ્પી વાયરસના કહેરને જોઈ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ લમ્પી વાયરસ થી રક્ષણ આપતી વેકસીનના પાંચ લાખ ડૉઝની વ્યવસ્થા બનાસ ડેરીના પશુપાલકો માટે કરવામાં આવી છે.

બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસ ડેરીનું સમગ્ર તંત્ર અબોલ પશુઓને લમ્પી વાયરસ થી બચાવવા કટિબધ્ધ છે. બનાસકાંઠા જિલ્લાના અબોલ પશુઓ આપણા પોતાના છે. પશુઓને લમ્પી વાયરસના રોગ થકી ઓછામાં ઓછું નુકશાન થાય તે માટે વેક્સિનની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. બનાસ પશુધનને બચાવવા સૌ પશુપાલકો તકેદારી રાખે અને પ્રાથમિક લક્ષણો જણાતાં તાત્કાલિક ધોરણે બનાસ ડેરીના વેટનરી વિભાગ તેમજ પશુપાલન વિભાગની હેલ્પલાઈન પર સંપર્ક કરી પશુની સારવાર કરાવે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.