'આઝાદી કા અમૃત મહોત્સવ' ના ભાગરૂપે પંચમહાલ જિલ્લામા વિજળી મહોત્સવનુ કરાયું આયોજન - At This Time

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ના ભાગરૂપે પંચમહાલ જિલ્લામા વિજળી મહોત્સવનુ કરાયું આયોજન


*‘ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય’ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં વીજળી ક્ષેત્રે થયેલ વિકાસ બાબતે યોજાયો મહોત્સવ*

'આઝાદી કા અમૃત મહોત્સવ' ના ભાગરૂપે - ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવા માટે, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રાલયના સહયોગથી પાવર મંત્રાલયે પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત બી.આર.જી.એફ હોલ ખાતે વિજળી મહોત્સવ'નું આયોજન કરાયુ હતું. વિજળી મહોત્સવનો ઉપયોગ રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચેના સહયોગની ઉજવણી કરવા અને પાવર સેક્ટરની મુખ્ય સિદ્ધિઓને પ્રકાશિત કરવા માટે એક મંચ તરીકે કરવામાં આવ્યો હતો. સમારોહના અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ કુ. કામિનીબેન સોલંકી અને વિવિધ અધીકારીગણ અને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. આ પ્રસંગે બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું હતું. મુલાકાતીઓ અને મહેમાનો સાથે જોડાવા માટે, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, નુક્કડ નાટક અને પાવર સેક્ટર પર ટૂંકી ફિલ્મોના સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સાથે વિવિધ મહાનુભાવોના હસ્તક લાભાર્થીઓને ઘર વપરાશના વીજ જોડાણના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.વીજળી ક્ષેત્રે થયેલ વિકાસ બાબતે ફિલ્મ પણ રજૂ કરવામાં આવી હતી.
આજે રાજયભરમા સરકારશ્રીની વિવિધ યોજનાઓ થકી છેવાડાના વ્યક્તિ સુધી વિજળી પહોચી છે. વાત કરીએ વિગતે તો ૨૦૧૪ માં ૨,૪૮,૫૧૪ મેગાવોટથી વધીને આજે ૪,૦૦,૦૦૦ મેગાવોટ થઈ છે. ભારત હવે તેના પાડોશી દેશોમાં વીજળીની નિકાસ કરી રહ્યું છે. ૧,૬૩,૦૦૦ ckm ટ્રાન્સમિશન લાઇન ઉમેરવામાં આવી છે, જે સમગ્ર દેશને એક ફ્રિકવન્સી પર ચાલતા એક ગ્રીડમાં જોડે છે. લદ્દાખથી કન્યાકુમારી અને કચ્છથી મ્યાનમાર સરહદ સુધી તે વિશ્વની સૌથી મોટી સંકલિત ગ્રીડ તરીકે ઉભરી આવી છે. કુલ રૂ. 2,01, કરોડના ખર્ચ સાથે અમે છેલ્લાં પાંચ વર્ષમાં વિતરણ માળખાને મજબૂત બનાવ્યું છે - 2,921 નવા સબ-સ્ટેશનો બનાવીને, 3,926 સબ-સ્ટેશનોનું વિસ્તરણ કરીને, 6,04,465 ckm LT લાઇન્સ ઇન્સ્ટોલ કરીને, ૨,૬૮,૮૩૮જેટલી ૧૧ KV HT લાઇન્સની સ્થાપના કરી ૧૨૨,૧૨૩ ckm કૃષિ ફીડરનું ફીડર અલગ કરીને ઈંસ્ટોલ કરવામાં આવ્યા છે.
વાત કરીએ પંચમહાલ જિલ્લાની તો છેલ્લા પાંચ વર્ષમાં ૧૧ નવીન ૬૬ કે.વી સબ સ્ટેશનો ઉભા કરવામાં આવ્યા છે. ૭૯ નવીન ૧૧ કે.વી વિજ ફિડરો, ૯.૦૬ કરોડના ખર્ચે ઉભા કરાયા છે. છેલ્લા પાંચ વર્ષમાં જિલ્લામાં ૨૨૮૨ વીજ ગ્રાહકોને સોલાર રૂફ ટોપ યોજનાનો લાભ આપી ૮.૮૦ મેગાવોટ સોલાર કેપેસીટી વધારવામા આવી છે. DIIS હેઠળ ૨૩૦ જેટલા કામો કુલ ૪.૧૧ કરોડના ખર્ચે કરવામાં આવ્યા છે. ખુશી યોજના અંતર્ગત કુલ ૩૧૯ નવા ટ્રાન્સફોર્મર ઉભા કરાયા છે. કિસાન સુર્યોદય યોજના હેઠળ જિલ્લાના ૧૮૯ ગામોનો સમાવેશ કરવામા આવ્યો છે. ખેતીવાડી વીજ જોડાણ યોજના હેઠળ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ૯૫ કરોડના ખર્ચે કુલ ૭૭૦૭ નવા જોડાણો અપાયા છે.
આજના આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કુ.કામિનીબેન સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્જુન સિંહ રાઠોડ, જિલ્લા પંચાયત દંડક શ્રી અરવિંદસિંહ પરમાર, એપીએમસી ચેરમેન શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ,એડિશનલ ચીફ વીજ અધિકારી શ્રી આર જે નગેરિયા, એમ જી વી સી એલ અધીક્ષક કાર્યપાલક ઇજનેર શ્રી એન એ શાહ, જિલ્લા અગ્રણી શ્રી અશ્વિનભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીઓ, વીજ કંપનીના વિવિધ અધિકારીગણ તથા જિલ્લાના વિવિધ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.