વડોદરા : વિશ્વામિત્રી નદીમાં હજી 3,481 ક્યુસેક પાણીની આવક ચાલુ
- જોકે વરસાદનો વિરામ હોવાથી વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરમાં સપાટીમાં ધીમો ઘટાડો શરૂવડોદરા,તા.27 જુલાઈ 2022,બુધવારવડોદરાના આજવા સરોવરના ઉપરવાસમાં અને શહેર વિસ્તારમાં વરસાદે વિરામ પાડતા આજવા સરોવર અને વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધીમો ઘટાડો શરૂ થયો છે. ગઈ રાત્રે આજવાની સપાટી 211.70 ફૂટ હતી, જે આજે વહેલી સવારે ચાર વાગ્યે ઘટીને 211.65 ફૂટ થઈ હતી. જ્યારે વિશ્વામિત્રી નદીની સપાટી ગઈ રાત્રે 15.50 ફૂટ હતી તે આજે સવારે ઘટીને 15.25 ફૂટ થઈ હતી. આજવામાં છેલ્લા 24 કલાક દરમિયાન છ મીમી વરસાદ થયો છે, અને મોસમનો કુલ વરસાદ 749 મીમી નોંધાયો છે. આજવા સરોવરના 62 દરવાજા 211 ફૂટના લેવલ ઉપર સ્થિર કરેલા હોવાથી વધારાનું પાણી વિશ્વામિત્રી નદીમાં આવી રહ્યું છે. 62 દરવાજા પરથી હજુ 1,430 ક્યુસેક અને આજવા સરોવરની ફીડરો તેમજ આજુબાજુના નદીનાળામાંથી પણ પાણી નદીમાં આવી રહ્યું છે. વિશ્વામિત્રી નદીમાં હજી કુલ 3481 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ગઈકાલે સવારે નદીમાં કુલ 3,882 ક્યુસેક પાણીનો આવરો હતો, જેમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. આમ છતાં નદીમાં હજી સતત પાણીની આવક ચાલુ હોવાથી તેના લીધે નદીનું લેવલ ઝડપથી ઉતરતું નથી. બીજી બાજુ હજી વરસાદી માહોલ હોવાથી તેમજ સામાન્ય અને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવતા તંત્ર સાવધાની રાખી રહ્યું છે. ગઈકાલે સાંજે આજવા સરોવરની સપાટી વધીને 211.75 ફૂટ થઈ હતી. જેમાં 12 કલાક બાદ 10નો ઘટાડો જોવા મળ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.