સુરત : સ્કૂલમાં યૌન શોષણ અને લઠ્ઠાકાંડ મુદ્દે આજની પાલિકાની સામાન્ય સભામાં હંગામો થાય તેવી શક્યતા
- શિક્ષણ સમિતિના તમામ સભ્યોને ત્રણ માસ પહેલાં ફરિયાદ થઈ હતી તો પગલાં કેમ ન ભરાયા ?સુરત,તા.27 જુલાઈ 2022,બુધવારથોડા દિવસ પહેલાં સુરત શિક્ષણ સમિતિની સ્કુલમાં બહાર આવેલું યૌન શોષણ અને હાલમાં ગુજરાતમાં થયેલા લઠ્ઠાકાંડને મુદ્દે આજે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હંગામો થાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ બન્ને મુદ્દે શાસકો બેકફુટ પર હોવાથી વિપક્ષને સામાન્ય સભામાં શાસકો પર હાવી થવાની તક છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પુણાની સ્કૂલમાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓનું કરવામાં આવેલું યૌન શોષણ મુદ્દે ભારે વિવાદ થતાં આખરે સમિતિએ પોલીસ ફરિયાદ કરી છે. જોકે, 2020થી સમિતિની શાળામાં આ પ્રકારનું કૃત્ય ચાલતું હોય અને ત્રણ માસ પહેલાં એક વાલીએ તમામ સભ્યોને પેન ડ્રાઈવમાં પુરાવા આપ્યા હતા તેમ છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હતા. એટલું જ નહીં પરંતુ વાલીઓની ફરિયાદ બાદ આચાર્યની બદલી કરી દેવામા આવી હતી અને ત્યાર બાદ ફરિયાદ કરવામાં વિલંબ થતાં આચાર્યને ફરાર થવાનો પુરતો સમય મળી ગયો હતો. આ મુદ્દે ભારે વિવાદ થયો હતો અને ત્યાર બાદ આ પહેલી સામાન્ય સભા મળી રહી છે તેથી વિપક્ષ આ મુદ્દે શાસકો પર પસ્તાળ પાડી શકે તેમ છે. આ ઉપરાંત હાલમાં જ ગુજરાતમાં બનેલા લઠ્ઠાકાંડના કારણે 41 લોકોએ જીવ ગુમાવ્યા છે તેમાં પણ હવે રાજકારણ શરૂ થઈ રહ્યું છે. લઠ્ઠા કાંડ મુદ્દે રાજકીય પક્ષો ગૃહમંત્રીના રાજીનામા સાથે આવેદનપત્ર આપી રહ્યાં છે. આ મુદ્દો ભલે પાલિકાના કાર્યક્ષેત્રમાં આવતો ન હોય પરંતુ આ મુદ્દે ભાજપ શાસકો બેકફૂટ પર હોવાથી વિપક્ષ પાસે મોટો મુદ્દો છે તેથી આ બે મુદ્દે પાલિકાનો વિપક્ષ શાસકોને ઘેરી શકે તેવી શક્યતા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.